Russia,તા.18
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો વણસ્યા છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાથી ટ્રમ્પે ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ નાંખ્યા છે ત્યારે અલાસ્કામાં રશિયન પ્રમુખ પુતિન સાથેની બેઠકમાં ટ્રમ્પે પોતે જ દાવો કર્યો કે, તેમના બીજા કાર્યકાળમાં રશિયા સાથે અમેરિકાના વેપારમાં ૨૦ ટકાનો વધારો થયો છે. આ દાવાને પગલે રશિયા સાથે વેપાર મુદ્દે ટ્રમ્પનો બેવડો ચહેરો ખુલ્લો પડી ગયો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત સામે આકરું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે રશિયા સાથે વેપાર કરીને ભારત યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં પુતિનને મદદ કરી રહ્યું છે. બીજીબાજુ રશિયા સાથે વેપાર બદલ ભારત સામે જંગી ટેરિફ નાંખનાર ટ્રમ્પ પોતે રશિયા સાથે વેપાર વધારી રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવા માટે ટ્રમ્પ અને પુતિને અલાસ્કામાં બેઠક કરી હતી તેવા સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પોતે જ કહ્યું કે, તેમના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચે વેપાર ૨૦ ટકા વધ્યો છે.
અમેરિકા-રશિયા વેપાર અંગે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ કહ્યું કે, સંયોગથી અમેરિકામાં ટ્રમ્પ સત્તામાં આવ્યા તો દ્વિપક્ષીય વેપાર વધવા લાગ્યો. તે હજુ પણ ખૂબ જ પ્રતિકાત્મક જ છે, છતાં અમારોગ્રોથ રેટ ૨૦ ટકા છે. તેમણે ઉમેર્યું કે, આ બાબતથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને રશિયાના રોકાણ અને વ્યાવસાયિક સહયોગમાં અપાર સંભાવના છે અને વેપાર, ડિજિટલ, ઉચ્ચ ટેક્નોલોજીથી લઈને અવકાશ સંશોધનમાં તકો છે.
અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક પછી ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ હાલ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવવા પર કોઈ વિચાર નથી કરી રહ્યા. તેમણે ટેરિફ અંગે બે-ત્રણ સપ્તાહ પછી વિચાર કરવો પડી શકે છે, પરંતુ હાલ આ અંગે કંઈ વિચારવાની જરૂર નથી. ટેરિફના દબાણથી ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. રશિયન પ્રમુખ પુતિને મોટો ગ્રાહક ગુમાવી દીધો છે. ચીન પર પણ અમે જંગી ટેરિફ નાંખી શકીએ છીએ. ટ્રમ્પે અલાસ્કામાં પુતિન સાથેની બેઠક પહેલાં કહ્યું હતું કે, આ બેઠક નિષ્ફળ જશે તો તે ભારત પર જંગી ટેરિફ નાંખશે. આથી આ બેઠક પર ભારતની નજર હતી. આ બેઠકમાં કોઈ સમજૂતી નહીં થવા છતાં ટ્રમ્પે હાલ ભારત પર ટેરિફ નાંખવાનું ટાળ્યું છે.
દરમિયાન ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી તેમણે વેપાર વાટાઘાટો સૌથી પહેલાં શરૂ કરી હોય તેવા દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો, પરંતુ આઠ મહિના પછી પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સોદો થઈ શક્યો નથી. ભારત અને અમેરિકા વચ્ચે પાંચ તબક્કાની બેઠકો થયા પછી આ મહિનાના અંતમાં છઠ્ઠા તબક્કાની વાટાઘાટો થવાની હતી. જોકે, ટ્રમ્પે થોડા સમય પહેલાં કહ્યું હતું કે, ટેરિફ મુદ્દે વિવાદનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભારત સાથે વેપાર સોદા અંગે કોઈ વાટાઘાટો નહીં થાય. ટ્રમ્પના આકરા વલણ વચ્ચે છઠ્ઠા તબક્કાની વાટાઘાટો માટે અમેરિકાની ટીમ ભારત આવવાની હતી, પરંતુ પ્રમુખ ટ્રમ્પના આકરા વલણના પગલે હવે અમેરિકન ટીમે તેનો ભારત પ્રવાસ રદ કર્યો છે. જોકે, ભારતને આશા છે કે આ બેઠક માટે નજીકના સમયમાં નવેસરથી વાટાઘાટો થઈ શકે છે.