South Korea તા.30
એશિયા-પેસીફીક કોઓપરેશન શિખર બેઠક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રવડા શી જીનપીંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પરના હાલના 57 ટકા ટેરિફમાં 10 ટકાનો ઘટાડો કરી 47 ટકા કરવાની જાહેરાત થઈ છે.
ટ્રમ્પ અને જીનપીંગની મુલાકાત બાદ અમેરિકી પ્રમુખે કહ્યું કે અમારા બન્ને વચ્ચે અનેક નિર્ણયો લેવાયા છે અને તેમાં ટ્રેડથી લઈ ટેકનોલોજી તેમજ રેર અર્થ મટીરીયલ મીનરલ અને ફેન્ટાલીયનનો સમાવેશ થાય છે. જે રીતે અમેરિકી પ્રમુખ એ ટેરિફ ઘટાડયા તે પરથી હવે બંને દેશો વચ્ચે વ્યાપાર વાટાઘાટ વધુ સરળ બનશે તેવા સંકેત છે.
ટ્રમ્પે એવો દાવો કર્યો કે, ચીન બહુ ઝડપથી અમેરિકી સોયાબીન ખરીદી શરૂ કરશે. તેઓએ એમ પણ કહ્યું કે રેર અર્થ મીનરલના તમામ વિવાદ પણ ઉકેલી લેવાયા છે જયારે ફેન્ટાલીયનને અમેરિકામાં પહોંચતી રોકવા તેઓએ આકરા પ્રયાસોની ખાતરી આપી છે.
જો કે આગળની વાત કર્યા વગર જ ટ્રમ્પે કહ્યું કે, અમે બંને વાતચીતો ચાલુ રાખશું. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકી ટેકનોલોજી પરના પ્રતિબંધો હળવા કરવા ચીન સહમત થયુ છે અને એન વિડીયા સહિતની કંપનીઓની ચીપ્સની આયાત ચીન કરી શકશે. બન્ને દેશો વચ્ચેના વ્યાપાર કરારનો મુદો છવાયેલો રહ્યો હતો.
શ્રી ટ્રમ્પ અને શ્રી જીનપીંગ લગભગ 6 વર્ષ બાદ પ્રથમ વખત મળ્યા હતા. શ્રી ટ્રમ્પે તેમની સ્ટાઈલ મુજબ જીનપીંગને એક મહાન દેશનેતા ગણાવ્યા હતા અને કહ્યું કે મને લાગે છે કે અમારા વચ્ચે લાંબા સમય સુધી શાનદાર સંબંધ બની રહેશે અને તેમની સાથે હોવું એ અમારા માટે શાનદાર સન્માનની વાત છે.
જો કે ટ્રમ્પે મુલાકાત પુર્વે કહ્યું કે અમારી મુલાકાત બહું સફળ રહેનાર છે પણ તેમાં એક સખ્ત વાટાઘાટાકાર છે તે બહુ સારી બાબત નથી. જો કે મુલાકાત સમયે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે અત્યંત ડિપ્લોમેટીક જવાબ આપતા કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેઓને બીજીવાર રાષ્ટ્રપતિ બનતા જોવા એ ખુબજ ખુશીની વાત છે.
જીનપીંગે કહ્યું કે, અમોએ ત્રણ વખત ટેલીફોન પર વાતચીત કરી અને અનેક વખત પત્રોનું આદાન-પ્રદાન કર્યુ છે અને નજીકના સંબંધો રહ્યા છે. શી જીનપીંગે જો કે અમેરિકા સાથે મતભેદ હોવાનું સ્વીકારતા કહ્યું કે અમારી અલગ-અલગ રાષ્ટ્રીય પરીસ્થિતિના કારણે અમો એકબીજાથી સહમત રહ્યા નથી અને દુનિયાની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે સમય સમય પર મતભેદો હોય તે સામાન્ય બાબત છે.

