New York,તા.06
ટ્રમ્પ પ્રશાસને અમેરિકામાં વસતા હજારો ભારતીયો સહિતના પ્રવાસી કામદારો માટે એક નવો અને કડક નિયમ લાગુ કર્યો છે, જેની સીધી અસર તેમના કામ કરવા અને ત્યાં રહેવાની પ્રક્રિયા પર પડશે. નવા નિયમ હેઠળ, વર્ક પરમિટ (રોજગાર અધિકૃતતા દસ્તાવેજ – EAD)ની મહત્તમ અવધિ પાંચ વર્ષથી ઘટાડીને માત્ર 18 મહિના કરી દેવામાં આવી છે.
આ નિર્ણયની સૌથી ગંભીર અસર એવા હજારો ભારતીયો પર પડશે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની લાંબી રાહ જોઈ રહ્યા છે અને લાંબા સમય સુધી કાયદેસર રીતે નોકરી ચાલુ રાખવા માટે લાંબી અવધિવાળા EAD પર નિર્ભર હતા.
અગાઉ બાઈડેન પ્રશાસને 2023માં USCIS (અમેરિકન નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા) અને જનતા પરનો બોજ ઘટાડવા માટે વર્ક પરમિટની અવધિ બે વર્ષથી વધારીને પાંચ વર્ષની કરી હતી. જોકે, ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણયને પલટાવી દીધો છે.
કેમ લીધો ટ્રમ્પ સરકારે નિર્ણય?
USCISના નિયામક, જોસેફ એડલોએ જણાવ્યું કે, “આ ફેરફાર સુરક્ષા તપાસને મજબૂત કરવા અને સંભવિત જોખમોને સમયસર શોધી કાઢવા માટે જરૂરી છે.” તેમણે તાજેતરમાં રાજધાનીમાં નેશનલ ગાર્ડના જવાનો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “જ્યારે પાછલી સરકારે દેશમાં એવા વિદેશીને પ્રવેશ આપ્યો જેણે હુમલો કર્યો, ત્યારે તે સ્પષ્ટ છે કે USCISએ વિદેશીઓની વારંવાર તપાસ કરવી જોઈએ.”આટલું જ નહીં, ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ (HR1)’ હેઠળ આવતા કેટલાક અન્ય કેસોમાં, જેમ કે TPS ધારકો અને ઉદ્યોગસાહસિક પેરોલીઝના જીવનસાથીઓ માટે, વર્ક પરમિટની મહત્તમ અવધિ ઘટાડીને માત્ર એક વર્ષ કરી દેવામાં આવી છે. આ નિયમ 22 જુલાઈ, 2026 થી લાગુ થશે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે વર્ક પરમિટ રિન્યુ થવામાં ઘણા મહિનાઓ લાગે છે, ત્યારે આટલી ટૂંકી અવધિને કારણે ઘણા પ્રવાસીઓની પરમિટ રિન્યુ થાય તે પહેલા જ સમાપ્ત થઈ જશે, જેનાથી તેમની નોકરી અને આજીવિકા જોખમમાં મુકાશે.
આ નવી નીતિ હેઠળ, નીચેની શ્રેણીના અરજદારોને હવે પાંચ વર્ષને બદલે માત્ર 18 મહિનાની વર્ક પરમિટ મળશે:
ગ્રીન કાર્ડના અરજદારો
H-1B કર્મચારીઓ (અને તેમના જીવનસાથી)
શરણાર્થીઓ (Refugees)
પેન્ડિંગ શરણાર્થી કેસવાળા અરજદારો (Asylum Applicants)
આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ થશે અને તે નવા તેમજ પેન્ડિંગ, બંને પ્રકારના આવેદનો પર લાગુ પડશે.

