Washington,તા.10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા અને સંભવિત ભારત પર પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘ટેરીફ’ લાદે તેવા સંકેતો વચ્ચે અમેરિકાએ કેનેડા-મેકસીકોથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમીનીયમ પર 25% ટેરીફ ઝીકતા ભારતને પણ હવે વડાપ્રધાન મોદી આ ટેરીફથી બચાવી શકશે કે કેમ તે પ્રશ્ન છે.
બે દેશો પરના આ ટેરીફ અમેરિકા જે અલગથી મેટલ-સેસ લગાવે છે તેનાથી પણ ઉપર હશે જે કેનેડા-મેકસીકો પર મોટી અસર કરશે. આ બન્ને દેશોમાંથી અમેરિકા સ્ટીલ-એલ્યુમીનીયમની સૌથી મોટી આયાત કરે છે. બાદમાં દક્ષિણ કોરિયા અને વિયેતનામ આવે છે. 2024માં જ અમેરિકાના કુલ એલ્યુમીનીયમની આયાતના 75% કેનેડામાંથી થઈ છે.
ભારત જો કે અમેરિકામાં આ બન્ને ધાતુના નિકાસમાં 10માં ક્રમ બાદ છે પણ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, અમારા ઉત્પાદનો પર જે દેશ 100થી 130% ટેરીફ લાદે છે તે અમારા દેશમાં સસ્તો માલ ઘુસાડી શકશે નહી.
આમ હવે અમેરિકાની આ નીતિ દુનિયાભરના વ્યાપારને અસર કરશે. શ્રી મોદી આજે જ ફ્રાન્સ જઈ રહ્યા છે અને રસપ્રદ રીતે ફ્રાન્સમાં જે હાઈ-પ્રોફાઈલ-આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સની સમીટ છે તેમાં પણ મોદી હાજર રહેનાર છે.
આ બેઠકમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો પણ ઉપસ્થિત રહેનાર છે. જો કે ટ્રુડો હવે થોડા જ દિવસોમાં કેનેડાનું વડાપ્રધાન પદ છોડનાર છે છતા પણ મોદી સાથે તેમની આંખ ટકરાશે તે જોવુ રસપ્રદ બની રહેશે.