Washington,તા.10
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો ટેરીફ ટેરર આગળ વધારતા આજે ઈરાક, લીબીયા, ફીલીપીન્સ સહિતના દેશો પર 20થી 30 ટકાના ટેરીફની જાહેરાત કરી છે અને તેની સાથે બ્રીકસ સાથે સંકળાયેલા દેશો ઉપર વધુ ટેરીફ લાદવાની ધમકીમાં પ્રથમ વખત હાલમાં જ બ્રીકસ બેઠકનું યજમાન બનેલ બ્રાઝીલ ઉપર વધારાના 50% ટેરીફ લાદી દીધા છે.
ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે તેઓ બ્રીકસ દેશોને બક્ષવા માંગતા નથી. પરંતુ બ્રાઝીલમાં તેમના વધારાના 50 ટકા ટેરીફ મુદે એવું કારણ આપ્યું હતું કે આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો સાથે જે રીતે વ્યવહાર થઈ રહ્યો છે તે બદલ આ ટેરીફ લાદવામાં આવ્યા છે.
જો કે બ્રાઝીલે ટ્રમ્પના આ ટેરીફ સામે આકરો જવાબ આપતા કહ્યું કે, બ્રાઝીલ એક સ્વતંત્ર સાર્વભોમ દેશ છે. જે અન્ય દેશોની દખલગીરી સહન કરશે નહીં બીજી તરફ આજે તા.10ના ડેડલાઈન સાથે ટ્રમ્પે હજુ સુધી ભારત પરના ટેરીફ અંગે કોઈ જાહેરાત કરી નથી.
અગાઉ બન્ને દેશો વચ્ચે ટેરીફ વાટાઘાટો ચાલતી હોવાની અને બહુ જલદી તે અંગે જાહેરાત થશે તેવી પ્રમુખ ટ્રમ્પે ખુદે જાહેરાત કરી હતી. જોકે ભારતે સ્પષ્ટ કર્યુ હતું કે કોઈપણ પ્રકારની ધમકી હેઠળ ટેરીફ સમજૂતી કરવામાં આવશે નહીં.
તા.1 ઓગસ્ટ સુધીમાં ભારત સાથેના ટેરીફ વાટાઘાટો પૂર્ણ થઈ જશે તેવા સંકેત આપ્યા છે. અમેરીકાના આ ટેરીફના કારણે આ વર્ષે 300 બીલીયન ડોલરની આવક થશે. તેવો અમેરીકી ટ્રઝરીએ અંદાજ મુકયો છે અને તેના કારણે અમેરીકાની વ્યાપાર ખાધને પણ રાહત થશે તેવો દાવો છે.