Washington, તા. 21
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વિવિધ વસ્તુઓ પર 50 ટકાનો જંગી ટેરિફ લાદવાની જાહેરાત કરીને વૈશ્વિક ટ્રેડ વોરનો નવો મોરચો ખોલી દીધો છે.
અમેરિકી તંત્રે આરોપ મૂક્યો છે કે કેનેડા પોતાની નીતિઓમાં અમેરિકામાં બનેલી કાર, દારૂ અને ડેરી ઉત્પાદનો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યું છે. આ નવા ટેરિફ આગામી 30 દિવસમાં અમલમાં આવશે, જેમાં વાઇન, સિમેન્ટ, આઇસ હોકીના સાધનો, ફર્નિચર, કપડાં અને ડેરી પ્રોડક્ટ્સ જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ નિર્ણય માટે ટ્રમ્પ સરકારે ‘ટેરિફ એક્ટ ઓફ 1930’ ની કલમ 338નો ઉપયોગ કર્યો છે. આ કાયદો રાષ્ટ્રપતિને એવા દેશો સામે 50 ટકા સુધીનો દંડકીય ટેરિફ લાદવાની મંજૂરી આપે છે જે અમેરિકી માલસામાન સાથે અન્યાય કરે છે.
છેલ્લાં 100 વર્ષનાં ઇતિહાસમાં આ કાયદાનો આ પ્રકારનો પહેલો ઉપયોગ છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે, અન્ય સહયોગી દેશોની સરખામણીએ કેનેડા અમેરિકાનાં વેપારી હિતો અને ઉદ્યોગોને નુકસાન પહોંચાડતી નીતિઓ ચાલું રાખી રહ્યું હોવાથી આ પગલું ભરવું પડ્યું છે.
બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેમની સરકારે વોશિંગ્ટન સાથેનાં આ વેપાર વિવાદોને ઉકેલવા માટે ઘણાં વ્યાપક પ્રસ્તાવ મૂક્યાં હતાં.
તેમણે ઉમેર્યું કે વેપાર યુદ્ધને કારણે બંને દેશોનાં સામાન્ય પરિવારો માટે મોંઘવારી વધી રહી છે અને કેનેડા પોતાનાં નાગરિકોનાં હિતમાં યુએસ સાથે આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવા તૈયાર છે. જોકે, બંને દેશો વચ્ચે કાર, દારૂ અને કૃષિ ક્ષેત્રે ચાલી રહેલાં વિવાદનાં કારણે આ ટ્રેડ વોર વધુ વકરે તેવી શક્યતા દેખાઈ રહી છે.

