Washington,તા.17
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન સાથે સાઉદી અરેબીયામાં મળવાની યોજના બનાવી છે પરંતુ તેમાં યુક્રેનની જ બાદબાકી કરતા યુરોપમાં તેના જબરા પડઘા પડયા છે અને નાટોમાં પણ વિખવાદ ઉભો થયો છે.
શ્રી પુટીન અને ટ્રમ્પની વાટાઘાટો માટે તારીખો નકકી કરવા આજથી સાઉદી અરેબીયામાં અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ મળી રહ્યા છે અને તેઓ યુદ્ધ વિરામની રૂપરેખા તૈયાર કરશે. પરંતુ આ બેઠકમાં યુક્રેનના વડાપ્રધાન ઝેલેસ્કીને આમંત્રણ નહી અપાય તે નિશ્ચિત બન્યુ છે.
તેથી જ ઝેલેસ્કીએ સ્પષ્ટ જાહેર કર્યુ છે કે અમારી ગેરહાજરીવાળી કોઈપણ યુદ્ધ વિરામની દરખાસ્તને અમે સ્વીકારશું નહી અને અમારી એકપણ ઈંચ જમીન રશિયાને સરન્ડર નહી કરીએ. આ દરમ્યાન હાલમાં જ ન્યુનીચમાં જે બેઠક થઈ હતી તેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ એ યુરોપીયન દેશોને નાટો મુદે જે સલાહ આપી તેનાથી યુરોપીયન દેશોમાં પણ અસંતોષ છે.
તેઓએ યુક્રેન વગરની કોઈપણ સમજુતીને નહી સ્વીકારવાની જાહેરાત કરી છે જયારે અમેરિકાના સલામતી સલાહકાર માઈક વોલ્ટસ એ દાવો કર્યો કે એક બેઠકથી યુદ્ધ વિરામ શકય નથી. બેઠકોનો દોર ચાલશે અને અંતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ પુટીન નિર્ણય લેશે પણ યુક્રેનના પ્રતિનિધિત્વ મુદે તેઓએ હાલ કાંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. આમ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો મુદો હવે અમેરિકા અને યુરોપ વચ્ચે વિખવાદ સર્જી ગયો છે.યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા સાથે બારોબાર સમજુતી કરી લેવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વલણ સામે હવે બ્રિટન પણ નારાજ છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટામેર એ યુક્રેનને એકલુ નહી સમજવાની ચેતવણી આપતા કહ્યું કે જરૂર પડયે હું બ્રિટીશ સેનાને યુક્રેનની મદદ માટે તૈયાર છું. તેઓએ કહ્યું કે આ મુદે તેઓ બહુ જલ્દી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે અને તેમની સાથે વાતચીત કરશે.
તેઓએ ઉમેર્યુ કે, યુક્રેનની સુરક્ષા એ યુરોપની સુરક્ષા માટે મહત્વની છે અને જરૂર પડયે બ્રિટન તેની સેનાને યુક્રેનની મદદ માટે મોકલશે. અમેરિકાએ હવે યુક્રેનને લશ્કરી મદદ આપવાનો ઈન્કાર કર્યા બાદ બ્રિટને તૈયારી બતાવી છે.
તેમણે કહ્યું કે, બ્રિટન આ યુદ્ધમાં સતત યુક્રેનને ટેકો આપી રહ્યું છે અને તેઓ યુક્રેનની સુરક્ષાની ગેરંટી આપવા પણ તૈયાર છે અને મારા સૈનિકોને યુક્રેનની ધરતી પર ઉતારીશ. કોઈએ તેમાં હળવાશથી લેવાની જરૂર નથી.
અમેરિકા-યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં જે રીતે સમજુતી કરાવવાના મૂડમાં છે તેનો વિરોધ સમગ્ર યુરોપમાં શરૂ થયો છે. બ્રિટીશ વડાપ્રધાને કહ્યું કે રશિયા વિરુદ્ધ અમેરિકાનો ટેકો મહત્વપૂર્ણ છે અને અમેરિકા જ પુટીનને વધુ હુમલા કરતા રોકી શકે છે.