૨૦૧૭માં ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ એકેય દેશમાં ન્યૂક્લિયર ટેસ્ટિંગ થયું નથી : ટ્રમ્પના આદેશથી સ્થિતિ બદલાશે
Washington, તા.૩૧
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોનના અધિકારીઓને તાત્કાલિક પરમાણુ પરીક્ષણો શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે અન્ય દેશો પણ પરમાણુ શસ્ત્રોના પ્રયોગો કરી રહ્યા છે, તેથી આપણે પણ તત્કાળ પરમાણુ શસ્ત્ર પ્રયોગો શરૂ કરી દેવા જોઈએ. તેમણે એવુંય કહ્યું હતું કે ટેસ્ટિંગ રશિયા અને ચીનની બરાબર થવી જોઈએ. છેલ્લે ૨૦૧૭માં ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણનો દાવો કર્યો હતો. એ પછી એકેય દેશમાં પરીક્ષણ થયું નથી.દક્ષિણ કોરિયામાં એસોસિએશન ઓફ પેસિફિક કન્ટ્રીઝની પરિષદમાં હાજરી આપતાં પૂર્વે તેઓએ આપેલો આ આદેશ થોડામાં ઘણું કહી જાય છે. તેમ કહેતા વિશ્લેષકો જણાવે છે કે, આ દ્વારા ટ્રમ્પે ચીનને અને રશિયાને સીધી જ ચેતવણી આપી દીધી છે. ટ્્રુથ સોશ્યલ પર ટ્રમ્પે લખ્યું હતું કે, દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમેરિકા પાસે છે. તે પછી બીજો ક્રમાંક રશિયાનો આવે છે. ચીન તે બંને પ્રમાણમાં ઘણા ઓછા પરમાણુ શસ્ત્રો ધરાવતું હોવા છતાં દૂર ત્રીજા ક્રમે છે, પરંતુ તે આગામી પાંચ વર્ષમાં (પરમાણુ શસ્ત્રની સંખ્યામાં) અમારી બરોબર થઈ શકે તેમ છે.ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિને બુધવારે જણાવ્યું હતું કે, રશિયાએ પોસીડોન (મહાસાગર) નામક ન્યુકિલયર પાવર્ડ સુપર ટોર્નિડોનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે કોઈ પણ દેશનાં માત્ર યુદ્ધ જહાજોને જ નહીં પરંતુ પ્રચંડ રેડીયો એકિટવ ઓશન સેલ્સ (કિરણોત્સર્ગ ધરાવતાં સમુદ્રીય મોજા ઉછાળી) તટ પ્રદેશમાં પણ ખાના-ખરાબી કરી શકે તેમ છે.પરમાણુ શસ્ત્રોના ટેકનિકલ ડેટાને તો એક તરફ રાખીએ પરંતુ ટ્રમ્પ આ આદેશ (પરમાણુ શસ્ત્રો વિષયક આદેશ) આપી દુનિયાને દેખાડવા માગે છે કે, હજી પણ પરમાણુ શસ્ત્રો બાબતે અમેરિકા સર્વ પ્રથમ છે. અમેરિકાએ ૨૬ જુલાઈ ૧૯૪૫માં એરિઝોનાનાં રણમા સફળ પરમાણુ બોંબ પ્રયોગ કર્યો હતો. તે પછી હીરોશિમા અને નાગાસાકી (જાપાન) ઉપર પરમાણુ બોંબ નાખી જાપાનને શરણાગત કરી દ્વિતીય વિશ્વ યુદ્ધનો અંત આણ્યો હતો.




