America,તા.12
વિશ્વ વધુ એક યુદ્ધનું સાક્ષી બની શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈઝરાયલની સેના ઈરાન પર હુમલો કરવા સંપૂર્ણપણે સજ્જ છે. જેની જવાબી કાર્યવાહીના ભાગરૂપે ઈરાન પોતાના પડોશી દેશ ઈરાકમાં સ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર હુમલા કરી શકે છે.
અમેરિકાએ ગઈકાલે જ પોતાના નાગરિકોને ઈરાક છોડવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગે પણ નોન-ઈમરજન્સી ઓફિસર્સને ઈરાક છોડવા આદેશ આપ્યો છે. પશ્ચિમી એશિયામાં વધતાં તણાવ અને યુદ્ધની આશંકા વચ્ચે અમેરિકાએ ઈરાક, કુવૈત, અને બહરીન સહિતના મધ્ય-પૂર્વીય દેશોમાં પોતાના દૂતાવાસોમાંથી વધારાના કર્મચારીઓ અને પરિવારને પાછા વતન ફરવા આદેશ આપ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી સંભવિત હુમલા થઈ શકે છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈરાનની અમેરિકા સાથેની વાટાઘાટ જો નિષ્ફળ રહી તો ટ્રમ્પના અગાઉના આદેશાનુસાર, ઈઝરાયલ તથા અમેરિકા ઈરાનના ન્યૂક્લિયર સેન્ટર્સ પર હુમલો કરી શકે છે. ઈરાન સાથે કોઈપણ સમાધાન મુદ્દે અપેક્ષા જણાઈ રહી નથી. જો કે, ટ્રમ્પ ન્યૂક્લિયર પ્રોગ્રામ અટકાવવા એડીચોટીનું જોર લગાવશે.