New Delhi, તા. 7
ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફ સહિતના વિવાદોમાં છેલ્લા છ માસથી ચાલતી વાટાઘાટો કોઇ ઉકેલ લાવી શકી નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ સંભવિત મુલાકાતો ટળી રહી છે તે વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે ભારત આવે તેવી શકયતા છે.
ગઇકાલે વધુ એક વખત તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને `ગ્રેટ મેન’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, આગામી વર્ષે ભારતની મુલાકાત લઇ શકે છે. બ્લુમબર્ગ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે, મોદી મારા મિત્ર છે અને અમે વાતચીત કરતા રહીએ છીએ અને તેઓ ઇચ્છે છે કે હું ભારતની મુલાકાત લઉ તો શકય છે કે હું ભારત જઇશ અને આગામી વર્ષે આ મુલાકાત શકય બની શકે છે.
જોેકે તેઓએ આ માટે કોઇ સમય નિશ્ચિત આપવા કે તેઓ ભારત આવશે તે ચોકકસ કહ્યું ન હતું. ગત એપ્રિલમાં અમેરિકાએ ભારત પર ટેરીફ લાદવાનું શરૂ કર્યુ હતું અને ભારતની રશિયન ક્રુડ તેલ ખરીદી મુદ્દે અમેરિકા સતત વિરોધ કરી રહ્યું છે.
જોકે ભારતે સીધી રીતે હજુ રશિયન ક્રુડ તેલ ખરીદી બંધ કર્યુ હોવાનું જાહેર કર્યુ નથી પરંતુ તબકકાવાર આ ખરીદી ઘટાડી રહ્યું છે. જ્યારે બંને દેશો વચ્ચે ટેરીફ મુદે હજુ કોઇ નકકર સંકેત મળ્યા નથી અને ભારત હવે ચીન કરતા પણ વધુ ઉંચા ટેરીફનો સામનો કરી રહ્યું છે તે સમયે ટ્રમ્પનો આ સંકેત કેટલો મહત્વનો છે તે પણ પ્રશ્ન છે.

