New Delhi,તા.10
ટેરીફ મુદે ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા તનાવમાં અનેક અમેરિકી ટોચના ડિપ્લોમેટના વિધાનોથી બન્ને દેશો પોઈન્ટ ઓફ નો રિટર્નની સ્થિતિએ જઈ રહ્યા છે તેવા સંકેત મળવાના શરૂ થયા હતા.
તે સમયે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરીફ મુદે વ્યાપાર-વિધ્ન સર્જાયા છે તે દુર કરવા તેઓ ઉત્સુક છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદે વાતચીત કરવાની પણ ઈચ્છા દર્શાવી હતી.
તેનો પ્રતિભાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતો પ્રતિભાવ આપતા ભારત અને અમેરિકાને મિત્ર તથા સ્વાભાવિક ભાગીદાર ગણાવ્યા હતા. શ્રી મોદીએ ટ્રમ્પના વિધાનો પર સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા કહ્યું કે બન્ને દેશો વચ્ચે વ્યાપાર-વાટાઘાટ એ ભારત-અમેરિકા ભાગીદારીની જે વિશાળ તકો છે તેને પણ ઝડપવામાં મદદ કરશે.
અમારી ટીમ વ્યાપાર વાટાઘાટો શકય તેટલી વહેલી બન્ને તરફી સાનુકુળ રીતે પુરી કરવા ઉત્સુક છે. પ્રમુખ ટ્રમ્પે તેના સોશ્યલ મીડીયા- ટુથ- સોશ્યલ પર પોસ્ટમાં ભારત સાથે વ્યાપાર વાટાઘાટ ચાલુ હોવાનું અને બહું જલ્દી તેમાં સફળતા મળશે તેવું દર્શાવ્યું હતું.
ટ્રમ્પે ભારત-અમેરિકાને બે મહાત દેશો તરીકે ઓળખાવતા એ પણ જણાવ્યું કે હું બહું જલ્દી વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરીશ. આમ બન્ને નેતાઓ વચ્ચે હકારાત્મક શબ્દોની આપલેથી વ્યાપાર વાટાઘાટમાં પણ સાનુકુળ પ્રત્યાઘાત પડે તેવી ધારણા છે.
ભારત-અમેરિકા વચ્ચે રશિયન ક્રુડતેલ ખરીદી અને અમેરિકી કૃષી-ડેરી ઉત્પાદનોને ભારતમાં નીચા ટેરીફથી પ્રવેશ એ મોટો મુદો છે અને ભારતે તેના રાષ્ટ્રીય હિતોને જ અગ્રતા આપવા મકકમતા દર્શાવી છે.
તે સમયે પ્રમુખ ટ્રમ્પ-મોદી વચ્ચે એક સપ્તાહમાં બીજી વખત હકારાત્મક શબ્દોની આપલે થઈ છે પણ હજું વાસ્તવિક વન ટુ વન ટેલીફોનીક વાતચીત કયારે-કેવા વાતાવરણ વચ્ચે થશે તે મહત્વનું છે.