Tel Avivતા.14
બે વર્ષથી યુદ્ધ કરી રહેલી ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ઈઝરાયલી સંસદમાં પહોંચ્યાહ હતા, જ્યાં તેમને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું.
ટ્રમ્પે બંને વચ્ચે શાંતિ સમજૂતી કરાવતા હવે ગાઝામાં શાંતિનો રસ્તો સાફ થઈ ગયો છે. જ્યારે ટ્રમ્પ ઈઝરાયેલી સંસદમાં પહોંચ્યા હતા, ત્યારે તેમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરાયું હતું.
આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu)એ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર પણ આપ્યો હતો. જ્યારે ટ્રમ્પ સંસદ પહોંચ્યા હતા, ત્યારે સાંસદોએ તેમને અઢી મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ઈઝરાયલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો છે. આ પુરસ્કાર આપતી વખતે નેતન્યાહૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને શાંતિનો નોબેલ પુરસ્કાર ચોક્કસ મળશે.
જોકે, આ વર્ષે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી. નેતન્યાહૂએ કહ્યું કે, શાંતિનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને જરૂર મળશે, ભલે તેમાં સમય લાગે. ટ્રમ્પે સંસદમાં ગાઝા સમજૂતી અંગે મહત્ત્વનું ભાષણ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, `આજે 20 બહાદુર બંધકો પાછા આવી રહ્યા છે. આજે બંદૂકો શાંત છે, સાયરન શાંત છે. આ સદભાવનાની શરૂઆત છે. આ એક નવા મિડલ ઈસ્ટનો ઐતિહાસિક ઉદય છે.
નેતન્યાહૂને પહોંચી વળવું સરળ નથી, પરંતુ આ જ બાબત તેમને મહાન બનાવે છે. આ ઈઝરાયલ અને વિશ્વ માટે એક મોટી જીત છે કે આ તમામ દેશો શાંતિ માટે ભાગીદાર તરીકે એકસાથે કામ કરી રહ્યા છે.’ ટ્રમ્પે બંધકોની મુક્તિ માટે હમાસ પર દબાણ લાવવા એક થયેલા અરબ દેશો અને મુસ્લિમ દેશોને અપીલ કરી હતી.