Washington તા.12
ટ્રમ્પ કોની પર કયારે રુઠી જાય અને કયારે વારી જાય એ નકકી નહીં. પાક. સૈન્ય વડા મુનીર પર મહેરબાન થયા બાદ હવે ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ઓળઘોળ થઈ ગયા છે. ચીની સામાન પર લાગનારી ટેરિફની ડેડલાઈન ફરી 90 દિવસ સુધી વધારી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેના જિનપીંગ સાથે સારા સંબંધો છે.
અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ 2018થી ચાલી રહ્યા છે. આ વિવાદ બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક નીતિઓમાં મૂળ ધરાવે છે. એપ્રિલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વસ્તુઓ પર 145 ટકા ટેરિફ વધાર્યો, જેનો જવાબ ચીને અમેરિકાની આયાત પર 125% ટેરિફ લગાવ્યો હતો.
આનાથી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે, બંને દેશોનું અર્થતંત્ર દબાણ હેઠળ આવી ગયું હતું. જૂનમાં જીનીવામાં વાટાઘાટો અને લંડનમાં બેઠકો પછી બંને પક્ષો ટેરિફને અસ્થાયી રૂપે ઘટાડવા સંમત થયા હતા. જો કે, આ રાહત અલ્પજીવી સાબિત થઈ, કારણ કે ઓગસ્ટમાં ફરીથી ઊંચા ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવી રહી હતી.
અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નો ટાળ્યાના થોડા કલાકો પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રમ્પને પૂછ્યું હતું કે ’શું તેઓ 12 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવશે?’ જવાબમાં ટ્રમ્પે કહ્યું, ’અમે જોઈશું કે શું થાય છે.’ આ સૂચવે છે કે વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે વાતચીત હજુ પણ ચાલુ છે અને બંને પક્ષો કાયમી ઉકેલ શોધી રહ્યા છે.
નિષ્ણાતો માને છે કે ટેરિફ વિસ્તરણ ફક્ત બંને દેશોના GDP પર અસર કરશે નહીં, પરંતુ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા પણ વધારશે. રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવશે, જ્યારે આયાત-નિકાસ પર નિર્ભર કંપનીઓના ખર્ચમાં વધારો થઈ શકે છે.
જો આગામી 90 દિવસમાં કોઈ નક્કર ડીલ ન થાય, તો ટેરિફ દરો ફરીથી વધી શકે છે, જેના કારણે વૈશ્વિક વેપારમાં મોટો ઘટાડો થઈ શકે છે. અમેરિકાના મુખ્ય વેપારી ભાગીદારો અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ વિવાદનો અંત લાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી શકે છે.
નિષ્ણાતો માને છે કે, આ સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય એક વ્યૂહાત્મક વિરામ છે, જે બંને દેશોને વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવાની તક આપશે, પરંતુ જો કોઈ કરાર ન થાય તો તે “ટ્રેડ વોર 2.0” ની શરૂઆત હોઈ શકે છે.