Washington,તા.01
ભારત-પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષને રોકવાનો અનેક વખત દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ યુદ્ધ રોકવા માટે તેઓ બંને જ પક્ષો સાથે ઘણી વખત બેઠક અને ફોન પર વાતચીત કરી ચૂક્યા છે. તેમ છતાં તેઓ આ યુદ્ધ રોકવામાં નિષ્ફળ રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્રમ્પે રશિયા માટે પોતાની પોલિસી બદલી નાખી છે. 180 ડિગ્રી પર ઘૂમી ચૂકેલી ટ્ર્મ્પની નવી પોલિસી પ્રમાણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ યુક્રેનને ઘાતક ટોમહોક મિસાઈલ આપવાનું વિચારી રહ્યા છે, જેથી કિવ રશિયાની અંદર ઊંડે સુધી હુમલો કરી શકે.
તાજેતરમાં જ જેડી વાન્સે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં ટ્રમ્પ વહીવટીતંત્રની નવી પોલિસી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેનને ટોમાહોક મિસાઈલ આપવા અંગે ચર્ચા કરી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પ આ અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેશે.
આ નિવેદન એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, યુક્રેનમાં ટ્રમ્પના રાજદૂત કીથ કેલોગે પણ તે જ દિવસે કહ્યું હતું કે, મારું માનવું છે કે યુક્રેનને રશિયાની અંદર ઊંડે સુધી હુમલો કરવાનો અધિકાર છે. યુક્રેને અંદર સુધી હુમલો કરવાની ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ. યુદ્ધમાં સલામત આશ્રયસ્થાન જેવી કોઈ વસ્તુ હોતી નથી. જોકે, કેલોગે પાછળથી પોતાની ટિપ્પણીને સ્પષ્ટ કરતા કહ્યું કે, મારી ટિપ્પણી ફક્ત જેડી વાન્સ અને અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના જાહેર નિવેદનોના સંદર્ભમાં હતી, વ્હાઈટ હાઉસના વિચાર પર કોઈ નવી માહિતીના સંદર્ભમાં નહોતી.
જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પની ટીમ ટોમહોક મિસાઈલોના પુરવઠા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ ટ્રમ્પના દોઢ મહિના પહેલાના પગલાથી તદ્દન વિપરીત છે. તમને જણાવી દઈએ કે 43 દિવસ પહેલા 16 ઓગસ્ટના રોજ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું અલાસ્કામાં સ્વાગત કરવા માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. તે દિવસે ટ્રમ્પ અને પુતિન વચ્ચે લગભગ પાંચ કલાકની મુલાકાત થઈ હતી. જોકે, આ બેઠક કોઈ નિષ્કર્ષ વિના અચાનક જ સમાપ્ત થઈ ગઈ હતી.
હવે અમેરિકા ક્રેમલિનના સૌથી મોટા દુશ્મન એટલે કે યુક્રેનને રશિયામાં ઘૂસીને હુમલો કરી શકે તેવી ટોમહોક મિસાઈલો આપવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે. આ અંગે માત્ર સાત મહિના પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે અમારી પાસે આવું કોઈ હથિયાર નથી. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર પોસ્ટ પર એ પણ કહ્યું હતું કે, યુક્રેન બધા કબજા હેઠળના પ્રદેશો પાછા લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, યુક્રેન-રશિયા સંઘર્ષ પર ટ્રમ્પની આ પણ એક નવી પોલિસી-180 છે, જે તેમના નીતિગત પરિવર્તનને દર્શાવે છે અને તેના દૂરગામી પરિણામો આવી શકે છે.
ટોમહોક એ અમેરિકન નેવીની એક સબોનિક ક્રુઝ મિસાઈલ છે જેની મારક ક્ષમતા 2,500 કિલોમીટર સુધીની છે. એટલે કે કિવથી લોન્ચ થયા બાદ તે મોસ્કો સહિત ઘણા રશિયન શહેરોમાં ટારગેટ પર હુમલો કરી શકે છે. તેનામાં પોતાની સાથે 450 કિલો વોરહેડ લઈ જવાની ક્ષમતા છે. તેને જહાજો, સબમરીન અને લેન્ડ લોન્ચરથી છોડી શકાય છે અને 1,000 માઈલ દૂરના લક્ષ્યોને સટીક નિશાન બનાવી શકે છે. તે ઓછી ઊંચાઈએ ઉડાન ભરીને દુશ્મનના રડારથી બચવામાં પણ સક્ષમ છે.
ટોમહોકનું બ્લોક IV (TACTOM) વર્ઝન સૌથી એડવાન્સ છે, જેમાં બે બાજુ ડેટા લિંક છે જે ઉડાન દરમિયાન ટારગેટ બદલવાની મંજૂરી આપે છે. ટોમહોક મિસાઈલને સૌપ્રથમ 1991ના ગલ્ફ વોર દરમિયાન પ્રસિદ્ધિ મળી હતી. અમેરિકાએ પોતાની સૌથી નજીકના સહયોગીઓ બ્રિટન અને જાપાન માટે તેને સુરક્ષિત રાખ્યુ છે.