Washington,તા.03
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ભોગ હવે કોઈ દેશ નહીં પણ હાર્વર્ડ યુનિવર્સિટી બની છે. ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને આપેલી કર રાહત પરત ખેંચી લીધી છે. આના પગલે હાર્વર્ડે હવે કદાચ ટેક્સ એટલે કે ટ્રમ્પ ટેક્સ ચૂકવવાનો આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી. ટ્રમ્પનું પગલું બતાવે છે કે હાર્વર્ડ જેવી સંસ્થાઓએ હવે સરકારની નીતિઓને આધીન રહેવું પડશે.ટ્રમ્પનું આ પગલુ અમેરિકામાં ઉચ્ચસ્તરીય શિક્ષણ પદ્ધતિમાં મહત્ત્વનું નીવડી શકે છે. તેનું કારણ એ છે કે પહેલી જ વખત કોઈ યુનિવર્સિટીની કરરાહત રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ હાર્વર્ડે ભંડોળ મેળવવા હાર્ડવર્ક કરવું પડશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય અન્ય યુનિવર્સિટીઓ અને સ્વૈચ્છિક સંગઠનો માટે પણ ઉદાહરણ બની શકે છે. ટ્રમ્પે બીજી યુનિવર્સિટીઓને પણ આ જ પ્રકારની ચેતવણી આપી છે.
ટ્રમ્પે હાર્વર્ડન અપાતી કર રાહત દૂર કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે આ જ લાયક છે. આ પગલાંને હાર્વર્ડ અને ટ્રમ્પ તંત્ર વચ્ચે ચાલતાં વિવાદો સાથે જોડીને જોવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ પર વિવિધતા, સમાનતા અને સમાવેશિતા અંગે તેના વલણને લઈને દબાણ બનાવ્યું છે.ટ્રમ્પે હાર્વર્ડ પર તેના કેમ્પસમાં પેલેસ્ટાઇન તરફી દેખાવોનો આક્ષેપ મૂક્યો હતો. તેના પર યહૂદી વિરોધી વલણ અપનાવવાનો પણ આરોપ હતો. આ ઉપરાંત યુનિવર્સિટીમાં વૈવિધ્યતા, સમાનતા અને સમાવેશિતાના કાર્યક્રમો બંધ કરવાની પણ ટ્રમ્પ તંત્રએ માંગ કરી હતી.તેની સાથે પેલેસ્ટાઇન તરફી જૂથો પર ચુસ્ત અંકુશની માંગ કરી હતી.
યુનિવર્સિટીના વડા એલન ગાર્બરે જણાવ્યું છે કે યુનિવર્સિટી તેની સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોને છોડશે નહીં. હાર્વર્ડે એપ્રિલમાં ટ્રમ્પ તંત્રની માંગને નકારી કાઢી હતી. તેને મુક્તિ અભિવ્યક્તિ અને શૈક્ષણિક સ્વતંત્રતાનો ભંગ કરતી ગણાવી હતી.
આ વિવાદના પગલે ટ્રમ્પ તંત્રએ હાર્વર્ડ માટે ૨.૨ અબજ ડોલરથી વધારે ફેડરલ ફંડિંગ પણ અટકાવી દીધી હતી. હાર્વર્ડને વિવિધ સ્વરુપમાં કુલ ૯ અબજ ડોલરનું ફંડિગ મળે છે. આના પગલ્ હાર્વડે ટ્રમ્પ શાસન સામે લો સ્યુટ પણ ફાઇલ કરી છે.