Washington, તા.26
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પહેલા ટ્રમ્પે બંને મહેમાનોના વખાણ કર્યા હતા અને તેમને મહાન નેતા ગણાવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું કે, `આજે આપણી પાસે એક મહાન નેતા આવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલ. ફિલ્ડ માર્શલ અને વડાપ્રધાન એક મહાન માણસ છે. બંને અહીં આવી રહ્યા છે અને કદાચ અત્યારે આ રૂમમાં જ છે.’
આ બેઠક અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના વેપાર કરારને અનુસરીને યોજાઈ હતી. બંને નેતાએ થોડા દિવસો પહેલા ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ટૂંકી મુલાકાત કરી હતી.
ટ્રમ્પ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આ નિકટતા એટલા માટે પણ નોંધપાત્ર છે કારણ કે પ્રમુખ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે પાકિસ્તાનને ‘આતંકવાદ માટે સલામત આશ્રયસ્થાન’ ગણાવીને તેની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાને અમેરિકા સાથે દગો કર્યો છે.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર હમણાંને હમણાં બે વાર અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે. વધુમાં, તેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા. એવું માનવામાં આવે છે કે લશ્કરી અને નાગરિક નેતૃત્વની આ સંયુક્ત મુલાકાત અમેરિકા-પાકિસ્તાન સંબંધોને નવી દિશા આપી શકે છે.
ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં મદદ કરી હતી. તેમનો દાવો છે કે, તેમણે જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન મધ્યસ્થી કરી હતી અને બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખી હતી. જોકે, ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે ભારતના લશ્કરી ઓપરેશન્સ અને વ્યૂહરચનામાં કોઈપણ વિદેશી શક્તિનો કોઈ હસ્તક્ષેપ નહોતો.