Washington,તા.07
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સત્તા અને સંપત્તિની કોઈ કમી નથી, પરંતુ તેઓ હવે યોગ્યતા વિના ન મળી શકે તેવા વિશ્વના પ્રતિષ્ઠિત સન્માન નોબલ શાંતિ પુરસ્કાર માટે બેચેન છે. આ વર્ષના નોબલ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે, પણ શાંતિ પુરસ્કાર હજુ જાહેર થયો નથી. આ વચ્ચે ટ્રમ્પે ફરી એકવાર પોતાની ‘અદ્ભુત ક્ષમતા’ના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે.
ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમણે અનેક યુદ્ધો અટકાવ્યા છે, અને ટેરિફના દબાણ હેઠળ તેમણે ઇઝરાયલ અને પાકિસ્તાન જેવા દેશો પાસે પણ આ વાત કહેવડાવી છે. જોકે, ભારતે તેમની સીઝફાયર કરાવવાની વાત નકારી, જેનો ગુસ્સો તેને ટેરિફના સ્વરૂપમાં ચૂકવવો પડ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે જો તેમની પાસે ટેરિફ લગાવવાની શક્તિ ન હોત, તો આજે દુનિયામાં સાતમાંથી ઓછામાં ઓછા ચાર સ્થળે યુદ્ધ ચાલી રહ્યા હોત.
તેમણે ભારત-પાકિસ્તાનનું ઉદાહરણ આપીને કહ્યું કે, ‘તેઓ લડાઈ માટે તૈયાર હતા, સાત વિમાનો તૂટ્યા હતા અને પરમાણુ શક્તિઓ ટકરાવાની તૈયારીમાં હતી. જેમાં મારો હસ્તક્ષેપ ખૂબ અસરકારક હતો. આથી મેં ટેરિફનો ઉપયોગ કરીને યુદ્ધ અટકાવ્યું, જેનાથી અમેરિકાએ સેંકડો અબજ ડોલર કમાયા અને શાંતિ જાળવનારા પણ બન્યા.”
મે મહિનામાં, ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધ્યો હતો. 7 મેના રોજ ઓપરેશન શરૂ થયા બાદ 10 મેના રોજ બંને દેશોએ સીઝફાયર જાહેર કર્યો.