Washington, તા.6
ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકયાનો અનેકવખત દાવો કરનાર અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત આવો દાવો કરવાની સાથોસાથ ભારતે પાકિસ્તાનનાં તોડી પાડેલા વિમાનોની સંખ્યા પણ સાતથી વધારીને આઠ કરી છે.
અમેરિકન પ્રમુખે સૌ પ્રથમ વખત ઓપરેશન સિંદુર વખતે ભારતે પાકિસ્તાનના પાંચ યુદ્ધ વિમાનો તોડયાનું કહ્યું હતું તે પછી સંખ્યા સાતની દર્શાવી હતી અને હવે ભારતે આઠ વિમાન તોડયાનો દાવો કર્યો છે.
તેઓએ કહ્યું કે, પોતે આકરી ચેતવણી આપ્યા પછી જ ભારત પાકિસ્તાન સંઘર્ષ રોકવા સંમત થયા હતા યુદ્ધમાં બન્ને દેશો આગળ વધશે તો અમેરીકા કોઈ વ્યાપાર સમજુતી નહી કરે તેવી ધમકી આપી હતી.
મિયામી ખાતે અમેરીકા બિઝનેશ ફોરમને સંબોધીત કરતાં તેમણે કહ્યું કે ભારત-પાક યુદ્ધના માર્ગે હોવાની જાણ થતા જ વ્યાપાર સંધી અટકાવી દેવાની પોતે ધમકી આપી હતી. બન્ને અણુક્ષમતા ધરાવતા દેશો છે. યુદ્ધ કરશો તો અમેરીકા કોઈ વેપાર નહિં કરે. આ ધમકીના બીજા જ દિવસે બન્ને દેશોએ શાંતિ સમજુતી થઈ ગયાનો ફોન કરી દીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે સૌ પ્રથમ 10મી મેના રોજ સોશ્યલ મિડિયા મારફત ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી અને અત્યાર સુધીમાં 60 વખત તેનો જશ લેતો દાવો કર્યો છે. જોકે ભારતે તે વારંવાર નકાર્યો છે.

