Washington,તા.19
હાલ પુરી દુનિયાની નજર અમેરિકા-રશિયા અને યુક્રેન પર છે, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાના ઉદેશથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલા અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
ત્યારબાદ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર જેલેન્સ્કી સાથે વ્હાઈટ હાઉસમાં બેઠક કરી હતી. આ બેઠકો બાદ ટ્રમ્પે બન્ને દેશોને લઈને એક મોટું નિવેદન કર્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી વચ્ચે શાંતિ મંત્રણા કરાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
તેના માટે ઝડપથી સ્થાન નકકી કરાશે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું. આ જાહેરાત ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં યુરોપીય નેતાઓ અને જેલેન્સ્કી સાથેની બેઠક બાદ કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેણે પુતિન સાથે ફોનમાં વાત કરી હતી. ત્યારબાદ તેણે જેલેન્સ્કી અને પુતિન વચ્ચે બેઠકની એક યોજના બનાવી છે. જો કે હજુ બેઠક માટેનું સ્થળ નકકી નથી થયું પણ ટુંક સમયમાં જાહેર કરાશે. તેમણે જણાવ્યું હતું કે તે બન્ને નેતાઓની સાથે એક ત્રિપક્ષીય શિખર સંમેલન પણ કરશે.
એક મીડીયા સૂત્ર મુજબ પુતિને પણ જેલેન્સ્કી સાથે મળવા માટે સહમતી દર્શાવી છે.
યુક્રેનને સુરક્ષા ગેરંટીનો પ્રસ્તાવ: આ સાથે જ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સંભવિત શાંતિ સમજુતી અંતર્ગત તેણે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવા પર પણ ચર્ચા કરી છે. જેમાં યુરોપીય દેશો ભૂમિકા ભજવશે અને અમેરિકા સાથે સમન્વય કરશે. જો કે, એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા હજુ પણ યુક્રેનને નાટોમાં સામેલ કરવાની વિરુદ્ધ છે પરંતુ પશ્ર્ચિમી સુરક્ષા ગેરંટી આપવા તૈયાર થઈ શકે છે.
ટ્રમ્પ સાથેની વાતચીતને જેલેન્સ્કીએ ખાસ ગણાવી: ટ્રમ્પ સાથેની વાતચીતને જેલેન્સ્કીએ અત્યાર સુધીની સૌથી સકારાત્મક અને સારી વાતચીત જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, બેઠક પહેલા ટ્રમ્પે સોશિયલ મીડીયામાં લખ્યું હતું. જેલેન્સ્કી તરત યુદ્ધ ખતમ કરી શકે છે. જેલેન્સ્કીએ પણ કહ્યું હતું કે યુદ્ધ જલદી અને કાયમી રીતે સમાપ્ત કરવાની બધાની ઈચ્છા છે. ક્રિમિકા અને ડોનબાસની જેમ રશિયાને ફરીથી હુમલો કરવાનો મોકો ન મળવો જોઈએ.

