Mumbai,તા.02
‘પવિત્ર રિશ્તા’ સહિતની સીરિયલોની અભિનેત્રી પ્રિયા મરાઠેનું ફક્ત ૩૮ વર્ષની નાની વયે કેન્સરથી નિધન થયું છે. બીજી તરફ ‘રામાયણ’ સીરિયલના સર્જક રામાનંદ સાગરના પુત્ર અને વરિષ્ઠ દિગ્દર્શક પ્રેમ સાગરે પણ અંતિમ શ્વાસ લીધા છે. એક જ દિવસમાં બે હસ્તીઓ ગુમાવતાં ભારતીય ટીવી જગત શોકથી હચમચી ગયું છે.
પ્રિયા મરાઠેએ હિંદી તથા મરાઠીમાં પણ અનેક સીરિયલો તથા ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ટીવી શો’કોમેડી સરકસ’થી પણ જાણીતી બની હતી. તે છેલ્લાં એક વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. ટીવી નિર્માતા અને દિગ્દર્શક પ્રેમ સાગરે ૮૪ વર્ષની વયે અતિમ શ્વાસ લીધા હતા. તેમણે પિતા રામાનંદ સાગરની ફિલ્મો ‘આંખે’ અને ‘ચરસ’ ઉપરાંત ટીવી સીરિયલ ‘રામાયણ’ના ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. પિતાની વિરાસતને આગળ ધપાવી તેમણે ‘વિક્રમ ઔર વૈતાલ’ તથા ‘અલીફ લૈલા’ સહિતની કેટલીય સીરિયલ બનાવી હતી. ‘રામાયણ’ સીરિયલમાં રામની ભૂમિકા ભજવનારા કલાકાર અરુણ ગોવિલે પ્રેમ સાગરને શ્રદ્ધાંજલિ આપી હતી.