Morbi, તા.28
મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ સ્કૂલ નજીકથી બે સગીર બાળકો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને બાળકોને ઈજા થઇ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને તે પૈકીના એક બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગરમાં રહેતા જય ચેતનભાઇ રાઠોડ (16) તથા ઉમાટાઉનશીપની પાછળના ભાગમાં આવેલ માધવ સોસાયટીમાં રહેતા અર્પિત વિક્રમભાઈ યાદવ (10) નામના બે બાળકોને અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .
અને આ બનાવાની આગળની વધુ તપાસ મોમજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે વધુમાં અકસ્માતમાં ઇજા પામેલા જય રાઠોડના બહેન સાથે ફોન ઉપર વાત થતાં તેઓએ જણાવ્યુ હતું કે, તેનો ભાઈ જય અને તેનો મિત્ર બંને વેજીટેબલ રોડ ઉપર આવેલી યુનિક સ્કૂલ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા દરમિયાન ત્યાં તેનું બાઇક થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં બંને બાળકોને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી રોહીદાસપરા વિસ્તારમાં રહેતો સુરેશ ગંગારામભાઈ કાટીયા (24) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગુલશનબેન સલીમભાઈ સમા (55) નામના મહિલાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
મારમાર્યો
મોરબીના પીપળી ગામે રહેતા મનોજભાઈ જગમલભાઈ ગુર્જર (46) નામના યુવાનને તેની પત્નીએ માર માર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

