કાન્તા ગેસની છકડો રિક્ષામાંથી ૧૬ અને અન્ય જગ્યાએથી ૧૧ કબજે કરવામાં આવેલા સિલીન્ડરોનું વજન ઓછું નીકળતા ગુનો દાખલ કરવામાં આવ્યો ‘તો
Rajkot,તા.28
રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી લેવાના રીફિલિંગ કૌભાંડ સંદર્ભે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ 18 વર્ષ પહેલા નોંધાયેલા ગુનામાં અદાલતે ગેસ એજન્સીના બે મહિલા સંચાલકોને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. 2007ની સાલના આ બનાવની હકીકત મુજબ કાન્તા ગેસ એજન્સી વિરુધ્ધ ફરિયાદો મળતાં અધીકારીઓ દ્વારા પેડક રોડ ઉપર કાન્તા ગેસના ડિલિવરીમેનની રિક્ષા ઉભી રાખી તપાસ કરતા છકડો રિક્ષામાંથી ૧૬ સિલિન્ડર તથા અન્ય જગ્યાએથી ૧૧ સિલિન્ડર કબજે કરવામાં આવેલ અને આ સિલીન્ડરોનું વજન કરાતા નીયત વજનથી ઓછું જણાતા સદરહું બાટલાઓમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હોવાની વાતને સમર્થન મળેલ, જેથી અધીકારીઓની ટીમ દ્વારા બાટલાઓ તથા છકડો રિક્ષા સીઝ કરી કલેકટરના હુકમથી પુરવઠા નિરીક્ષક દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. તેમાં સંત કબીર રોડ ઉપર આવેલ કાન્તા ગેસ સર્વિસના સંચાલક મહીલા કાંતાબેન જી. રાવલ તથા નીલાબેન જે. રાવલ અને ડિલિવરી મેન ધીરૂભાઈ આલાભાઈ મીયાત્રાની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બાદમાં આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ થતા અદાલતમાં કેસ દરમ્યાન ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની બાદ આરોપીઓ તરફે ઉલટ તપાસ બાદ બચાવ પક્ષ તરફે યુવા વકીલ કીરીટ નકુમ દ્વારા પોતાની દલીલમાં રજુઆત કરવામાં આવેલ કે પુરવઠા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. સંચાલકો પાસેથી કોઈ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ નથી, સાહેદોની જુબાનીઓમાં વિરોધાભાસ રહેલ છે. પંચો અને સ્વતંત્ર સાક્ષીઓ બનાવને સમર્થન આપતા નથી સહિતની દલીલો અને ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખી બંને મહિલા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ હતો. આ કામમાં મહિલા આરોપીઓ વતી યુવા લો એસોસીએટના એડવોકેટ કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નીધી રાયચુરા, ડેનીશા રાઠોડ, વાય.વાય. શેખ, સતીષ હેરમા રોકાયા હતા.