Vadodara,તા.07
ફતેગંજમાં ૬૭ વર્ષની વૃદ્ધ મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયાઓ સોનાના દાગીના તફડાવીને ફરાર થઇ ગયા હતા. જે અંગે મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ફતેગંજ જૂના મોદી ખાનામાં રહેતા ૬૭ વર્ષના જશોદાબેન શંકરભાઇ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું ફતેગંજ મેન રોડ પર સાંઇ વિહાર એપાર્ટમેન્ટમાં ર હેતા ફાતિમાબેન રંગવાલાના ઘરે રસોઇ કામ કરૃં છું. ગઇકાલે સવારે ૧૧ વાગ્યે હું મારા ઘરેથી નીકળી ફાતિમાબેનના ઘરે કામ કરવા માટે ગઇ હતી. ત્યાંથી કામ પતાવીને હું એક વાગ્યે ઘરે જવા નીકળી હતી. ફતેગંજ હોટલ સૂબા ઇલાઇટની પાસે ઉભેલા એક છોકરાએ મરાી સાથે વાતચીત શરૃ કરી હતી અને મારી સાથે ચાલવા લાગ્યો હતો. તેણે મને કહ્યું કે, માજી તમારો હાથ બતાવો અને હું કહું તે પ્રમાણે કરો, તમારૃં ધારેલું કામ થઇ જશે. જેથી, મેં મારો હાથ બતાવતા તેણે મારા હાથ પર તાળી મારીને કહ્યું કે, ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો. હું તેના વિશ્વાસમાં આવી ગઇ હતી અને તેના કહ્યા પ્રમાણે મેં કર્યુ હતું. ત્યારબાદ બીજો છોકરો પણ મારી બાજુમાં આવીને ઉભો રહ્યો હતો.ત્યારબાદ મારા દાગીના થેલીમાં મૂકાવી થાઁભલાને ત્રણ આંટા મારીને આવો તેવું કહ્યું હતું. બંનેએ મને વાતોમાં પરોવી મારા દાગીના પડાવી લીધા હતા. જેમાં અડધા તોલાની ચેન અને કાનની બુટ્ટીઓ હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ ૯૫ હજાર જેટલો ચાલી રહ્યો છે. પરંતુ, પોલીસે સોનાનો ભાવ માત્ર ૫૦ હજાર જ ગણીને કુલ ૬૫ હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.