Jamnagar તા ૧૫
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક શ્રમિક યુવાનના હાથમાંથી મોબાઇલ ફોનની ચીલ ઝડપ થયાનો બનાવ બન્યો છે. જે મામલે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક જીઆઇડીસી ફેઇઝ-૩ માં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા કોમલ સુલીભાઈ જાટવ નામના ૨૮ વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાના હાથમાંથી રૂપિયા ૨૪,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સો ઝુંટવીને લઈ ગયા ની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના કારખાનાની બહાર રોડ ઉપર ઉભા રહીને મોબાઈલ ફોનમાં વાતચીત કરી રહ્યો હતો, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં બે શખ્સો નીકળ્યા હતા. જેઓએ શ્રમિક યુવાનને એકલા જોઈને પોતાનું બાઈક પાછું વાળ્યું હતું, અને તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવીને ફરાર થયાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.