Canadian,તા.8
મેક્સિકો બોર્ડર પરથી અમેરિકામાં ઈલીગલી એન્ટ્રી કરતા ઈન્ડિયન્સ મોટાભાગે ટેક્સાસ, ન્યૂ મેક્સિકો, કેલિફોર્નિયા અને એરિઝોના સ્ટેટમાં ઘૂસતા હોય છે. તો બીજી તરફ કેનેડા બોર્ડર ક્રોસ કરતા લોકો મોટાભાગે ક્યુબેકવાળી બોર્ડર ક્રોસ કરી ન્યૂયોર્ક સ્ટેટમાં એન્ટર થતાં હોય છે જ્યારે અમુક લોકો મિનેસોટા અને વેનકુંવરવાળી બોર્ડર પણ ક્રોસ કરતા હોય છે.
જોકે, હવે એક નવા જ રૂટ પરથી ઈલીગલ ક્રોસિંગ થઈ રહ્યું હોય તેમ અમેરિકાના માયને સ્ટેટમાંથી પસાર થતી કેનેડિયન બોર્ડર પરથી બે ઈન્ડિયન્સની ધરપકડ કરવામા આવી છે. આ બંને લોકો બોર્ડર પેટ્રોલના હલ્ટન સેક્ટરની હદમાં આવતા બ્રિજવોટરમાંથી ઓગસ્ટ 01ના રોજ ઝડપાયા હતા.
કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ એટલે કે CBP દ્વારા અપાયેલી માહિતી અનુસાર ધરપકડ કરાયેલા બંને ઈન્ડિયન્સ પગપાળા ઈન્ટરનેસશનલ બાઉન્ડ્રી ક્રોસ કરીને અમેરિકાની હદમાં પ્રવેશ્યા હતા. CBP દ્વારા એમ પણ જણાવાયું છે કે આ કેસ યુનિક છે કારણકે બ્રિજવોટરવાળી બોર્ડર પરથી છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 15 ઈન્ડિયન્સની ધરપકડ થઈ છે.
CBP એ ભલે એવું જણાવ્યું હોય કે, છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 15 ઈન્ડિયન આ બોર્ડર પરથી પકડાયા છે પરંતુ એ વાત પણ શક્ય છે કે આ બોર્ડર પરથી કેટલા લોકોએ પકડાયા વિના જ ક્રોસિંગ કર્યું છે તેનો CBP પાસે કોઈ રેકોર્ડ જ ના હોય.
છેલ્લા સાતેક મહિનાથી કેનેડા બોર્ડર પર પકડાયા વિના જ બેફામ ક્રોસિંગ ચાલી રહ્યું છે અને કેટલાય ગુજરાતીઓ પણ આ જ રૂટથી અમેરિકામાં ઘૂસી ચૂક્યા છે.