Amreli, તા.28
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી પર નિર્મિત નવા બે તળાવનો લોકાર્પણ સમારોહ અને કથા મહોત્સવ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. ત્યારે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાય, સંસદીય અને વૈધાનિક બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે લાઠી તાલુકામાં ગાગડિયો નદી પર થયેલા જળસંચયના કાર્યને બિરદાવ્યું હતું.
તેમણે ગાગડિયો નદી પર રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 54 કિલોમીટર લાંબી નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. જે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની આહલેક જગાડનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેતીમાં યુરિયા અને ડી.એ.પી સહિત જંતુનાશક દવાઓના અતિરેકથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. ત્યારે પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરીને કુદરતી સંપતિના સદુપયોગ સાથે દીર્ઘાયુ જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે તાજેતરમાં રાજ્યમંત્રી તરીકે જવાબદારી પ્રાપ્ત કરવા બદલ અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલે આ ધાર્મિક સમારોહમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધોળકિયા ફાઉન્ડેશનના સંથાપક સવજીભાઈ ધોળકિયા અને તેમના પરિવારજનો, અમરેલી જિલ્લાના નાગરિકો ઉપસ્થિતિ રહ્યા હતા.

