Rajkot. તા.23
ગોંડલ રોડ પર સત્યવિજય આઈસ્ક્રીમ નજીક એક્ટિવા સરખું ચલાવવાનું કહેતા બેલડીએ માધાપરના યુવાનને માર મારી માથું ફોડી નાખ્યું હતું. જે બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. બનાવ અંગે માધાપરના પુષ્કર સોસાયટી શેરી નંબર-1 માં રહેતા 40 વર્ષીય યુવાન પ્રવિણભાઇ ઉર્ફે વીપુલભાઈ લાખાભાઇ ગરચરએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કિશન કોરિયા અને તેની સાથે રહેલ શખ્સનું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ડ્રાઇવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સમયે તે અને તેનો મીત્ર નિલેશભાઈ સોલકી ઘરેથી ગોંડલ રોડ એટીઓસ લીવા કાર નં- જી.જે.03.એમ.એલ.9918 માં રીપેરીગ કામ કરવા માટે ટાગોર રોડ થઇને ગોંડલ રોડ ઉપર જતા હતા. સાંજના છ વાગ્યે સત્યવિજય આઈસ્ક્રીમ સામે પહોંચતા સામેથી એક એકટીવાચાલક કારની સામે આવી બાજુમાથી નીકળેલ હતો. જેથી તેને કારની બારીનો કાચ ખોલીને તેને એકટીવા સરખી રીતે ચલાવાનુ કહેલ હતું.
બાદ એક્ટિવા પર બેઠેલા બંન્ને શખ્સો થોડાક આગળ ગયેલ હતા. દરમિયાન ફરીયાદીના મીત્ર નીલેશભાઈ કાર સાઈડમાં રાખવા ગયેલ ત્યાં એકટીવા ચાલક અને તેની પાછળ બેસેલ બંન્ને શખ્સો ઘસો આવેલ અને બંને એકદમ ઉશ્કેરાઇ જઈ ગાળો આપવા લાગેલ અને બાદમાં માર મારવા લાગેલ હતા.
ત્યાં એક શખ્સે કંઇક હથીયાર કાઢી માથાના ભાગે મારી દેતા લોહી નીકળવા લાગેલ હતું. બાદમાં તેનો મીત્ર નીલેશભાઈ આવી જતા એકટીવા ચાલક તથા તેનો મીત્ર એકટીવા મુકીને ત્યાંથી ભાગી ગયેલ હતા. ત્યાર બાદ યુવાન 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં મને માથાના ભાગે ત્રણ ટાકા આવ્યા હતા.
બાદમાં જાણવા મળેલ કે, તેમની સાથે ઝગડો કરનાર એકટીવા ચાલકનું નામ કીશન કોરીયા નામ હતુ અને તેની સાથે હાજર શખ્સ તેનો કારીગર હતો. જેથી યુવકે બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.