Mumbai, તા.2
લાંબી ડેઈલી સોપ અને બિઝ વેબ સિરીઝ જોયા બાદ હવે 2-3 મિનિટના માઈક્રો ડ્રામાએ મનોરંજન જગતમાં ધૂમ મચાવી છે. આ ઝડપી ગતિના વ્યસનકારક વર્ટિકલ શો અમેરિકા અને ચીન પછી ભારતીય જનરલ ઝેડ પ્રેક્ષકોના પ્રિય બની ગયાં છે.
માંડ 2થી 4 મિનિટનાં સમયગાળાની ઝડપી રીલ્સની જેમ આ માઇક્રો-ડ્રામા વિશ્વભરમાં વધુને વધુ લોકપ્રિય બન્યાં છે. અમેરિકા અને ચીનમાં ધૂમ મચાવ્યા બાદ હવે ભારતમાં પણ આ વર્ટિકલ શોનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે.
►વિશ્વભરમાં માઇક્રો ડ્રામાનો ટ્રેન્ડ વધ્યો છે
ખાસ કરીને મોબાઇલમાં જોવા માટે બનાવવામાં આવેલાં આ વર્ટિકલ શો માત્ર 2થી 4 મિનિટનાં જ હોય છે. જો કે, તેમનું ક્નટેન્ટ ઝડપી ગતિશીલ, લાઉડ, ઓવર-ધ-ટોપ અને ટ્વિસ્ટથી ભરેલું છે. અહેવાલો અનુસાર, છેલ્લાં એક વર્ષમાં વિશ્વવ્યાપી શોર્ટ ડ્રામા માર્કેટનો બિઝનેસ 6.54 અબજ ડોલરથી વધીને 7.21 અબજ ડોલર થયો છે.
જે 2030 સુધીમાં બમણું થવાની ધારણા છે. ચીનમાં માઇક્રો-ડ્રામાએ તેમનાં આખા વર્ષની બોક્સ ઓફિસ કરતાં વધુ કમાણી કરી હતી. હવે ભારતમાં પણ આ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. આનું ઉદાહરણ છે માઇક્રો ડ્રામા મેકર કુકુ ટીવી, જેની એપ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં 50 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
એ જ રીતે રીલ ટીવી, રિલીઝ, રીલ શોર્ટ્સ, ફ્લિક્રિએલ પણ ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યાં છે. એટલું જ નહીં ઓછા ખર્ચે મોટો નફો આપતી આ માઇક્રો ડ્રામા ફિલ્મોમાં વિક્રમ ભટ્ટ જેવાં જાણીતાં ડાયરેક્ટર્સ અને એમએક્સ પ્લેયર, ઝી એન્ટરટેઇનમેન્ટ, ટીવીએફ જેવાં મોટા પ્લેટફોર્મમાં પણ રોકાણ કરી રહ્યાં છે.
ઝી એન્ટરટેઇનમેન્ટના ચીફ ગ્રોથ ઓફિસર આશિષ સહગલ કહે છે, “અમે મરાઠી, હિન્દી જેવી ઘણી ભાષાઓમાં માઇક્રો-ડ્રામા લઇને આવ્યાં છીએ. ખાસ વાત એ છે કે તેમનાં ગુણો સિનેમેટિક હોય છે, જે પ્રોફેશનલી બનાવવામાં આવે છે.
► અભિનેતાઓ – પ્રભાવકોની બલ્લે બલ્લે
આ માઈક્રો ડ્રામા ન તો બિગ બજેટના હોય છે કે ન તો મોટા સ્ટાર્સ હોય છે. આવી સ્થિતિમાં, ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવવા માંગતા અભિનેતા-પ્રભાવકો માટે તે એક સારું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. નાના પડદા પર મેરી ડોલી મેરે અંગના, પતિ બ્રહ્મચારી જેવાં શો કરી ચૂકેલાં અભિનેતા વરશિપ ખન્ના કહે છે, “મેં તાજેતરમાં જ કુકુ ટીવી માટે પહેલી વાર વર્ટિકલ શો સિક્રેટ અમ્પાયર કર્યો હતો. મને માઇક્રો ડ્રામાનો ખ્યાલ નહોતો. મેં વિચાર્યું કે વર્ટિકલ શોમાં ઓછા બજેટનું કામ હશે, પરંતુ ત્યાં યોગ્ય ત્રણ કેમેરાનું શૂટિંગ સેટ-અપ હતું.
હા, એ દ્રશ્ય ખૂબ જ વિચિત્ર હતું જેમાં હું 100 મિલિયન વાઇનની વાત કરી રહ્યો હતો. પરંતુ જ્યારે શો આવ્યો તો આ સીન એટલો વાયરલ થઇ ગયો કે મને ખુદ વિશ્વાસ જ ના થયો મને 12 વર્ષ સુધી ટીવીમાં કામ કરવાથી એટલી ઓળખ મળી નથી જેટલી મને એક નાની વર્ટિકલ ક્લિપથી મળી છે.
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર ઘણાં પ્રભાવકો પોતે આ ટૂંકી શ્રેણી બનાવી રહ્યાં છે. જેમ કે, સાક્ષી કેસવાનીની અનમેચ્ડ, આરજે કરિશ્માનું બ્રાઇટ ફ્યુચર લોડિંગ, યશ્વી ગાની હમારી અધૂરી કહાની, રિતિકા શ્રોત્રીની ગે્રસ અને ગૌરી વગેરે જેવી શોર્ટ સિરિઝ ઘણી લોકપ્રિય છે.
► ફિલ્મો અને સીરિઝ માટે ખતરો
કહેવામાં આવી રહ્યું છે કે 2025માં લોકોનું અટેન્શન સ્પાન માત્ર 8 સેક્નડ રહ્યું છે, જેના કારણે માઇક્રો ડ્રામા જનરલ ઝેડની પસંદ બની ગયા છે. આવી સ્થિતિમાં, શું તેઓ ફિલ્મો અને વેબ સિરીઝ કલ્ચર માટે જોખમરૂપ બનશે?
નેટફ્લિક્સની સીરિઝ હેડ તાન્યા બામી કહે છે, “માઇક્રો ડ્રામા અને રીલ કલ્ચરનો આપણા દેશમાં ઝડપથી વિકાસ થયો છે. પરંતુ એવું નથી કે એક ચાલી રહી છે, બીજીને ખતરો છે. ઓડિયન્સને વેરાયટી જોઈએ છે. જો ઓછો સમય હશે તો તેઓ માઈક્રો ડ્રામા જોશે, જ્યારે વધારે સમય હશે તો આરામથી સિરીઝ જોશે.
સ્કેમ 1992 અને હોસ્ટેસ જેવી વેબ સિરીઝ બનાવનારી એપ્લોસ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ સમીર નાયર કહે છે, “મને નથી લાગતું કે કોઈ જોખમ છે. જુદી જુદી વસ્તુઓ જોવા માટે અલગ અલગ સમય હોય છે. ક્યારેક તમને માઇક્રો ડ્રામા જોવાનું મન થશે, તો ક્યારેક શ્રેણી, લોકો દરેક પ્રકારનાં ક્નટેન્ટનો વપરાશ કરતાં રહેશે.