15 ઘૂષણખોરો પકડાયા બાદ ટૂંક સમયમાં એનઆઈએની ટીમ પૂછપરછ કરવા દોડી આવે તેવી શક્યતા
Rajkot,તા.01
પહેલગામ આતંકી હુમલાને પગલે સરકારે સરહદની બહાર અને સરહદની અંદર એમ બંને તરફ સફાયો શરૂ કરતાં ઘૂસણખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરી વીણી વીણીને શોધી દેશ નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસની ટીમે અગાઉ 13 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા બાદ વધુ બે બાંગ્લાદેશીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે તમામ બાંગ્લાદેશીઓની આકરી પૂછપરછ બાદ ટૂંક સમયમાં એનઆઈએની ટીમ પણ રાજકોટ દોડી આવે અને તપાસનો ધમધમાટ શરૂ કરે તેવું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા સગીર સહિત વધુ બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર એક બાંગ્લાદેશી ઘુષણખોર છેલ્લા 10 વર્ષથી રાજકોટ ખાતે રહેતો હતો જ્યારે અન્ય સગીર સાત મહિના પૂર્વે જ રાજકોટ ખાતે આવ્યો હતો. બંને ઇમિટેશનની મજૂરી કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. વધુ બે ઘૂસણખોરો ઝડપાતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા 15ને આંબી ગઈ છે. 15 બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા બાદ એસઓજીએ તમામ બાંગ્લાદેશીઓનું ઇન્ટ્રોડક્શન અને ઇન્ટ્રોગેશન કરી ઘુષણખોરીથી માંડી ગુનાહિત ઇતિહાસ, શંકાસ્પદ હીલચાલ સહિતની બાબતો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે ટૂંક સમયમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ની ટીમ પણ રાજકોટ આવી ઘૂસણખોરોની પૂછપરછ કરશે અને ત્યારબાદ વિદેશ મંત્રાલયને બાંગ્લાદેશીઓ અંગે રિપોર્ટ કરવામાં આવ્યા બાદ તમામને ડીપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. નોંધનીય બાબત એ પણ છે કે, ઝડપાયેલા તમામ ઘૂસણખોરોની કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ હાલ સુધીની તપાસમાં સામે નહીં આવ્યાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.