Mumbai,તા.26
હરિયાણાના ગુરુગ્રામમાં અમુક દિવસો પહેલા યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે અમુક શખસો 24 રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. હવે આ કેસમાં પોલીસે ફાયરિંગ કરનારા બે શૂટરની ધરપકડ કરી છે. આ બંને શૂટરનો ચહેરો ઘરની બહાર ઇન્સ્ટોલ કરેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. એક રિપોર્ટ પ્રમાણે આ બંને શૂટર હિમાંશુ ભાઉ ગેંગના સભ્ય છે. બંનેની ઓળખ ગૌરવ અને આદિત્યના રૂપે થઈ છે. હાલમાં પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. ગૌરવ અને આદિત્ય ફરીદાબાદના રહેવાસી છે. બંને નીરજ ફરીદપુરિયાના સંપર્કમાં હતા. નીરજ પણ ફરીદાબાદનો રહેવાસી છે. હાલમાં તે અમેરિકામાં રહે છે. ગૌરવ અને આદિત્યને 50-50 હજાર રૂપિયા એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરવા બદલ મળ્યા હતા. અગાઉ પોલીસે શુક્રવારે ફરીદપુર ગામમાંથી એક શૂટરને ઝડપી લીધો હતો. શૂટરની ઓળખ ઈશાંત ગાંધી ઉર્ફ ઇશૂના રૂપે થઈ હતી. એ પણ ફરીદાબાદનો રહેવાસી છે. નોંધનીય છે કે, એલ્વિશ યાદવ યુટ્યુબ વ્લોગ અને રોસ્ટ વીડિયો માટે જાણીતો છે. તેની પાસે મજબૂત ફેન ફોલોઇંગ છે. આ પહેલા પણ એલ્વિશ ઘણા વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. તેના પર રેવ પાર્ટી અને સાપના ઝેરના કેસમાં સામેલ હોવાનો, ચૂમ દરાંગ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો, રાજસ્થાન પોલીસ પર ખોટા દાવા કરવાનો અને ઘણી વખત તેના પર મારપીટ, ભાષણબાજી કે ધમકી આપવાનો આરોપ પણ લાગ્યો છે. સાપના ઝેરના કેસમાં તેની સંડોવણી કેસમાં ફાઝિલપુરિયાનું નામ પણ લેવામાં આવ્યું હતું.