Gondal. તા.30
રિબડા પેટ્રોલપંપ પર ફાયરીંગ કરનાર શાર્પ શૂટરોને હથીયાર આપનાર રાજકોટના કુખ્યાત બે શખ્સોની ગોંડલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટની પેંડા ગેંગનો સાગરીત પરેશ ગઢવીએ એડવોકેટ રવિ ગમારાના કહેવાથી હથીયારની વ્યવસ્થા કરી આપી, શાર્પ શૂટરોને ઇમરાન કાદરી આપવા ગયો હોવાનો ખુલાસો થયો હતો.
બનાવ અંગે તા.24/07/2025 ના રોજ રાત્રીના સમયે ગોંડલના રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ પર બે બુકાનીધારી શખ્સો ડબલ સવારીમાં બાઈકમાં ઘસી આવી પાછળ બેસેલ શખ્સ દ્રારા પોતાની પાસે રહેલ હથીયારથી પેટ્રોલપંપ પર હાજર કર્મચારીને જાનથી મારી નાખવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરીંગ કરી બાઈકમાં નાશી જઇ ગુન્હો કર્યા બાબતની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે બે અજાણ્યા બુકાનીધારી શખ્સો વિરુદ્ધ બીએનએસ એકટ 109, 56 તથા આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ આદરી હતી.
જે ગુન્હાના કામે એલસીબીની ટીમે ઉત્તરપ્રદેશથી ચાર શખ્સોને પકડી લીધાં બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગુનાનો મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાને પણ કેરળથી દબોચી લીધો હતો. જે અગાઉ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપીઓની ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ મદદગારી કરનાર સહ આરોપીઓને શોધી કાઢવાની રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા આપવામાં આવેલ સુચનાથી અગાઉ પકડાયેલ આરોપી રાજકોટના એડવોકેટ રવિ લાલજી ગમારા તથા નિશાંત ધર્મેન્દ્ર રાવલની તપાસ દરમ્યાન ગુન્હામાં વપરાયેલ હથીયાર (પીસ્ટલ) ફાયરીંગ કરવા આવેલ આરોપીઓને રવી ગમારાએ રાજકોટના આરોપી પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્દૂ પરીયો રાજુભાઇ બળદા દ્વારા મોકલેલ હોવાનુ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હતું.
જે આરોપી પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્દુ પરીયો ભક્તિનગર પોલીસ મથકના હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં હોય જે આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી તપાસ કરતા ફાયરીંગ કરવા આવેલ આરોપીઓને હથીયાર (પીસ્ટલ) આપવા પોતાના મીત્ર ઇમરાન હાસમ સૈયદ (કાદરી) ને શાપર ખાતે આવેલ પુલ નીચે હથીયાર (પીસ્ટલ) આપવા મોકલાવેલ હોવાની કબૂલાત આપતાં આરોપી ઇમરાન હાસમ સૈયદની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી પરીક્ષિત ઉર્ફે પરેશ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના બે સહિત 12 ગુના તેમજ ઇમરાન સૈયદ વિરુદ્ધ 21 ગુના નોંધાયેલ છે.