Surendaranagar,તા.7
“લખતર એપીએમસીના રજિસ્ટર્ડ પેઢી થકી દુકાન બહાર રાખી કૌભાંડ આચરવાનો ખુલાસો થયો છે. ત્યારે આ કૌભાંડમાં પકડાયેલા આરોપીમાંથી 2 શખસ લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી રહી છે. આ આરોપીઓમાંથી 1 શખસનો પરિવાર અમદાવાદ છે.
જ્યારે અન્ય શખસના પરિવારમાં યુવકના માતા એક જ હાલ તેઓના ગામે હોવાનું ખુલ્યું છે. સ્ટેટ સાયબર સેલ દ્વારા રૂ.200 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ 6 શખસની ધરપકડ પણ કરી છે.
આ સાયબર ફ્રોડમાં પેઢી લખતર એપીએમસીમાં રજિસ્ટર્ડ કરાવી અને બહાર દુકાન રાખી કામગીરી કરતા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ ધરપકડ થયેલા 6 શખસમાંથી 2 શખસ લખતર તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે. જેમાં રાકેશ દેકાવાડિયા અને રાકેશ લાણીયા 2 શખસ તાલુકાના ભડવાણા ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
આ ગામે તપાસ કરતા બંને શખસો મોરબી રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. તો રાકેશ દેકાવાડિયાના પરિવાર અમદાવાદ રહે છે. તો તેમના પિતા લખતરમાં એગ્રોની દુકાન ચલાવતા હોવાની વિગતો મળી હતી. જ્યારે અન્ય શખસ રાકેશ લાણીયાની વાત કરીએ તો તેના પરિવારમાં તેમના માતા જ છે. જે ભડવાણા રહે છે. થોડા સમયે પહેલા જ તેના પિતાનું નિધન થયાનું જાણવા મળ્યું હતું.”

