America,તા.16
અમેરિકાની જાણીતી રિટેલર વોલમાર્ટ તેની 8,50,000 સ્ટેનલેસ સ્ટીલ પાણીની બોટલને પાછી ખેંચી રહ્યું છે, કેમ કે તેનું ઢાંકણ ફોર્સથી ખુલે છે અને તેનાથી અચાનક જ તે બોટલ યુઝરને વાગી શકે છે.
આવી ઘટનામાં અત્યાર સુધી બે લોકોએ પોતાની દ્રષ્ટી કાયમી રીતે ગુમાવી દીધી છે અને તે સામે આવ્યા બાદ વોલમાર્ટે બોટલો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.
આ રિકોલમાં વોલમાર્ટના “ઓઝાર્ક ટ્રેઈલ 64 ઔંસ સ્ટેનલેસ સ્ટીલ ઈન્સ્યુલેટેડ વોટર બોટલ્સ”નો સમાવેશ થાય છે. આ બોટલ્સ અમેરિકામાં વોલમાર્ટના સ્ટોર્સમાં 2017થી વેચાય છે. ગુરૂવારે યુએસ કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ પ્રમાણે, આ પ્રોડક્ટ્સના ઉપયોગથી ગંભીર અસર થઈ શકે છે.
CPSCનું કહેવું છે કે, આ બોટલમાં લોકો ફૂડ, કાર્બોનેટેડ બેવરેજીસ, જ્યુસ અથવા દૂધ જેવા બેવરેજીસ રાખતા હોય છે, બાદમાં જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે ઢાંકણું ફોર્સથી ઉછળી શકે છે.
ગુરૂવારની નોટિસ પ્રમાણે વોલમાર્ટને 3 ગ્રાહકોના રિપોર્ટ મળ્યા હતા; જેમને બોટલ ખોલતી વખતે તેના ઢાંકણા ચહેરા પર વાગવાથી ઈજા થઈ હતી અને તેમાંથી બે લોકોને આંખમાં વાગવાથી તેમને કાયમી ધોરણે તેમની દ્રષ્ટિ ગુમાવવી પડી છે.
નોટિસમાં કન્ઝ્યુમર્સને આ ઓઝાર્ક ટ્રેઈલ બોટલનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરવામાં આવી છે. તથા સંપૂર્ણ રિફન્ડ માટે વોલમાર્ટનો કોન્ટેક્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. કન્ઝ્યુમર્સ પોતાની બોટલ તેમના સ્થાનિક વોલમાર્ટ સ્ટોર પર લઈને રિફન્ડ મેળવી શકે છે.