Rajkot,તા.5
રાજયના વિજગ્રાહકો સ્માર્ટ મીટર સામે નારાજગી દર્શાવી રહ્યા જ છે ત્યારે તંત્ર દ્વારા પ્રિપેઈડ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને એનર્જી ચાર્જમાં બે ટકા રિબેટ આપવાનો નિર્ણય લીધો છે. ફયુઅલ સરચાર્જ હવે દર મહિને નકકી કરવા ઉપરાંત બપોરે 11થી3ના વિજવપરાશમાં યુનિટદીઠ રૂા.60 પૈસાની છુટ્ટ સહિતના નિર્ણયો લેવાયા છે.
ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા સુરતના વીજગ્રાહકોને વીજળી પુરી પાડતી ટોરેન્ટ પાવર કંપનીઓએ પોતાના વાર્ષિક લેખાજોખાંના આધારે એપ્રિલ-2025થી શરૂ થતાં વર્ષ માટે વીજ દર સહિતના ચાર્જીસમાં ફેરફાર કરવા માટે કરાયેલી પિટિશનો પર ચર્ચા વિચારણાના આધારે વીજ નિયમન પંચે કેટલક મહત્વની જાહેરાતો કરી છે.
આ જાહેરાતો મુજબ હવે રાજયમાં વીજ ગ્રાહકોને પ્રીપેઈડ સ્માર્ટ મીટરીંગ અને બિલિંગ પદ્ધતિ અપનાવે માટે એનર્જી ચાર્જીસમાં 2 ટકા રિબેટ આપવામાં આવશે. જો કે, પંચે સરકારી અને ખાનગી વીજ વિતરણ કંપનીઓને વીજ દરમાં ફેરફાર મંજુર કર્યો હતો.
1 એપ્રિલ, 2025થી લાગુ થયેલા ચાર્જીસ માટેના સરકારી વીજ વિતરણ કંપનીઓ માટેના ટેરિફ ઓર્ડરમાં પંચે જાહેર કર્યું છે કે, આરજીપી, જીએલપી, એલટીએમડી, એલટી ઈવી ચાર્જીંગ સ્ટેશનોના ગ્રાહકો (સ્માર્ટ મીટરીંગ ગોઠવણી, પ્રિપેઈડ વિકલ્પ સાથે) તથા એસટીપી-1, એચટીપી-2 અને એચટી ઈવી ચાર્જીંગ સ્ટેશનોની શ્રેણીમાં 10 કેડબલ્યુથી વધુ કોન્ટ્રાકટ લોડ ધરાવતા એલટી ગ્રાહકો (સ્માર્ટ મીટરિંગ ગોઠવણી, પ્રિપેઈડ વિકલ્પ સાથે) અને એચટી ઈવી ચાર્જીંગ સ્ટેશનના તમામ ગ્રાહકો માટે સવારે 7થી11 અને સાંજે 6થી રાત્રીના 10 વાગ્યા દરમિયાન વીજ વપરાશ માટે પ્રતિ યુનિટ 45 પૈસાનો વધારાનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.
બધા જ એચવી ગ્રાહકો માટે 1 ટકા રિબેટ દાખલ કરવામાં આવ્યું છે. 33 કેવી/66 કેવી ઈએચવી ગ્રાહકો માટે રિબેટ વધારીને 1.5 ટકા અને ઈએચવી 132 કેવી અને તેથી વધુ ગ્રાહકો માટે રિબેટ વધારીને 2 ટકા કરવામાં આવ્યું છે.
પંચે તેના આદેશમાં જણાવ્યું છે કે, ગ્રીન પાવર શુલ્ક માટે વધારાના ટેરિફ રેટમાં 10 પૈસાનો ઘટાડો કરી 90 પૈસા પ્રતિ યુનિટ કરાયો છે. જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂા.4130.32 પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસથી ઘટાડાને નાણાકીય વર્ષ 2025-26 માટે રૂા.3918.01 પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસ નિર્ધારિત કરાયો છે.
જયારે ટુંકાગાળાના વપરાશકર્તાઓ માટે પ્રવહન દર વર્ષ 2025-26 માટે 37.75 પૈસા પ્રતિ યુનિટ દીઠ મંજુર કર્યો છે. રાજય વીજભાર રવાનગી કેન્દ્ર માટે નાણાકીય વર્ષ 2025-26 માટે રૂા.5654.47 લાખ મંજુર કરાયા છે.