Bhavnagar,તા.18
શહેરના કાળિયાબીડમાં શક્તિમાના મંદિર પાસે બેકાબુ કારે પાંચ લોકોને અડફેટે લીધાં હતા. આ બનાવમાં બે લોકોના મોત નિપજ્યા છે. બનાવ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી પ્રમાણે શહેરના કાળિયાબીડમાં શક્તિમાના મંદિર પાસે બપોરે ૪ કલાકના અરસામાં બેકાબુ થયેલી જીજે-૧૪-એપી-૯૬૧૪ નંબરની કારે કુલ પાંચ લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી (ઉ.વ.૩૩, રહે.અક્ષરપાર્ક,કાળિયાબીડ) અને ચંપાબેન પરશોત્તમભાઈ વાસાણી (ઉ.વ.૬૫, રહે.કાળિયાબીડ)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમનેે સર ટી. અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર શખ્સ પોલીસપુત્ર હોવાનું તથા બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી હોવાનું સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું.