Jamnagar તા ૩૦,
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામની ગોલાઈ પાસે ગઈકાલે મોડી સાંજે ત્રીપલ સવારી બાઇક પૂલની દિવાલ સાથે ટકરાઈને નીચે ખાબક્યું હતું, જ્યાં પથ્થરો પડ્યા હોવાથી બાઇક ચાલક સહિત બે પર પ્રાંતિય યુવાનોના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે ત્રીજા યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતની જાણ થતાં લાલપુરની પોલીસ ટુકડી બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલે પહોંચી ગઈ હતી, અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના મનાવર જિલ્લાના ગોરાડીયા ગામના વતની અને બાઇક ના ચાલક તેમજ મૃત્યુ પામનાર દયારામ અનસીંહ ડાવર (ઉ.વ.૪૦) કે જે ઇજા પામનાર અમરસિંહ સીતારામ વાસ્કેલનુ એમ.પી.-૧૧-એન.એ.-૪૦૨૯ નંબર નું બાઇક લઈને તેના ઉપર ત્રણ સવારી માં પોતાની સાથે સાવન રાજુભાઇ વાસ્કેલ (ઉ.વ.૩૫) તથા અમરસિંહ સીતારામ વાસ્કેલ (ઉ.વ.૪૦) ને બેસાડીને બબરઝર ગામ તરફથી ગોવાણા તરફ આવતા હતા.
જે દરમિયાન ગઈકાલે સાંજે આશરે ૬.૩૦ વાગ્યાના આરસામાં પોતે પોતાનુ મો.સા. પુર ઝડપે બેફિકરાયથી ચલાવી મોટર સાઇકલને પુલની પાળી સાથે ભટકાડી ત્રણેય બાઇક સાથે નીચે પથ્થરવાળી જગ્યામાં પડતાં પોતે તથા સાવન રાજુભાઇ વાસ્કેલને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બંનેના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. તથા અમરસિંહ સીતારામ વાસ્કેલને શરીરે તથા માથાના ભાગે મુંઢ ઇજાઓ થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે.
તેની સાથે જ મજૂરી કામ કરતા અને તેના કુટુંબી કૈલાશ દયારામભાઈ વાસ્કેલે પોલીસને જાણ કરતાં લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ અને સ્ટાફના એ.એસ.આઈ. ડી.ડી. જાડેજા તથા અન્ય ટીમ ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી, અને બે મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે ઇજાગ્રસ્ત ણી નિવેદન નોંધ્યું છે.