Kapadvanj,તા.10
કપડવંજ નગરમાં તાલુકા પંચાયત કચેરી પાસે વહેલી પરોઢે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રસ્તાની ફૂટપાથ ઉપર સૂઈ રહેલા બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બેફિકરાઈથી ચલાવવામાં આવેલા ડમ્પરના ચાલકે લાઇટ વગર પાર્ક કરેલા જેસીબીને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.દહેગામ-કપડવંજ રોડ ઉપર તાલુકા પંચાયત કચેરીની દિવાલ નજીક રોડ ઉપર એક જેસીબી ચાલકે પોતાનું વાહન ભયજનક રીતે, લાઇટ ચાલુ કર્યા વગર કે કોઈ રિફ્લેક્ટર લગાવ્યા વગર, આવતા-જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કર્યું હતું. દરમિયાન, પાછળથી આવેલા ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી પાર્ક કરેલા જેસીબીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે જેસીબીનો પાવડો તાલુકા પંચાયતની વરંડાની બાજુમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર પડયો બાદ તાલુકા પંચાયતની દિવાલ સાથે અથડાવ્યો હતો. આ દુર્ઘટનામાં પંકજભાઈ ભવાનભાઈ પરમાર (રહે. મોતીપુરા તાબે જગડુપુર, તા. કપડવંજ) અને શિવાભાઈ પુજાભાઈની દીકરી ચંપાબહેન (રહે. માલઈટાડી, તા. કપડવંજ)ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ઘટનાની જાણ થતાં જ કપડવંજ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બન્ને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સમગ્ર બનાવ અંગે ખોડાભાઈ સાલમભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરનાર જેસીબી ચાલક અને બેફામ ડમ્પર ચલાવનારા ચાલક બંને વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.