જાગૃત નાગરિકે ૧૮૧ ને જાણ કરાતા ટીમે પહોંચી તરુણીઓને તેના માવતરને સહી સલામત રીતે સોંપી
Junagadh તા. 27
છાત્રાલયમાં ગમતું ન હોય અને માતા પિતની યાદ આવતા રાત્રિના સમયે ગૃહ માતાને કહ્યા વગર હોસ્ટેલમાં રહેતી બે તરુણીઓ ભાગી હતી. પરંતુ રસ્તો ભૂલતા અને કુતરા પાછળ પડતા બંને તરુણીઓ ડઘાઈ જઈ છુપાઈ હતી. જો કે, તે દરમિયાન એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આ બંને તરુણીઓ આવતા તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં ૧૮૧ ની ટીમે બંને તરુણીઓનું કાઉન્સિલિંગ કરી કર્યું હતું અને તરુણીઓને સહી સલામત તેના માવતરને સોંપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ૧૮૧ ના કાઉન્સિલર પ્રિયંકા ચાવડા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉજાલા ખાણીયાને એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતા તાત્કાલિક તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને બંનેનું કાઉન્સલિંગ કરતા, તરુણીઓએ જણાવ્યું હતું કે, તેઓ જૂનાગઢના જોશીપરામાં આવેલ એક છાત્રાલયમાં રહે છે. અને છાત્રાલયમાં ગમતું ન હોય તથા માતા પિતાની યાદ આવતી હોય જેથી રાત્રીના ગૃહ માતાની જાણ બહાર છાત્રાલય માંથી ભાગીને ઘરે જવા નીકળી હતી. પરંતુ બસ સ્ટેન્ડ જવાનો રસ્તો ભૂલી ગઈ હતી તે દરમિયાન જ કુતરા પાછળ પડતા બંને તરુણીઓ ડઘાઈ ગઈ હતી. ત્યારે એક જાગૃત નાગરિક મળી ગયેલ અને તેમણે બંને તરુણીઓને છાત્રાલયમાં મૂકી જાવ તેમ જણાવ્યું હતું. ત્યારે તરુણીએ છાત્રાલયમાં જવાની ના પાડતા ૧૮૧ મહિલા હેલ્પ લાઇનને જાણ કરી હતી. અને બંને તરુણીઓનું કાઉન્સિલિંગ કરાયું હતું. પરંતુ તરુણીઓ છાત્રાલયમાં જવા માંગતી નહોતી જેથી તેમના વાલીઓને ફોનિક વાત કરાઈ હતી. અને વાલીઓ પણ વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય આવવામાં મોડું થશે તેમ જણાવતા બંને તરુણીઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી, અને બાદમાં તેમના માતા-પિતા આવતા બંને તરુણીઓને સહી સલામત રીતે માવતરને સોંપી દેવામાં આવી હતી.