Jamnagar તા ૩૦
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોઝારી દુર્ઘટના સર્જાઇ છે. રવિવારે બપોરે લાખાબાવળ ગામના પાટીયા પાસે પુર ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને ઠોકરે ચડાવતાં જામનગરના બે યુવાનોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેથી ભારે અરેરાટી પ્રસરી છે. અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડતો થયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એરફોર્સ રોડ પર રહેતો પિયુષ બાબુભાઈ ધવડ નામનો ૧૯ વર્ષનો યુવાન પોતાના મિત્ર જામનગરમાં અંત આશ્રમ પાસે રહેતા ભરત ભુપતભાઈ ડોડીયા ને બાઈકમાં બેસાડીને જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, દરમિયાન બપોરે ૨.૦૦ વાગ્યાના અરસામાં લાખાબાવળ ગામના પાટીયા પાસે પુર ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અને પિયુષભાઈ ધવડ કે જેનું ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેના મિત્ર ભરત ડોડીયાને ગંભીર ઇજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મોડેથી તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ પરમાર પોતાની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બન્ને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.