આ નવા નિયમો અનુસાર કામગીરી કરે, નહીં તો તેમના વિરુદ્ધ ગ્રાન્ટ કાપવા સહિતના પગલાં લેવામાં આવશે
Gandhinagar,તા.૨૯
દેશમાં ૨૦૨૦થી લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિને હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા વધુ દૃઢ બનાવવામાં આવી છે. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો માટે ‘મિનિમમ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન્સ – ૨૦૨૫’ હેઠળ નવા ધારાધોરણો જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીઓને તાકીદ કરવામાં આવી છે કે આ નવા નિયમો અનુસાર કામગીરી કરે, નહીં તો તેમના વિરુદ્ધ ગ્રાન્ટ કાપવા સહિતના પગલાં લેવામાં આવશે.
નવા ધોરણોનો મુખ્ય ઉદ્દેશ નવી એજ્યુકેશન પોલિસીના અમલને સુસંગત અને દેશવ્યાપી બનાવવાનો છે. નવા નિયમો મુજબ, તમામ કોર્સમાં મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ, જનરલ અને વોકેશનલ એજ્યુકેશનના એકીકરણ તેમજ એક વર્ષમાં બે વખત પ્રવેશ જેવા સુધારાઓ અમલમાં આવશે. પ્રવેશ હવે જૂન-જુલાઈ અને જાન્યુઆરી-ફેબ્રુઆરીના મહિનાઓમાં આપવામાં આવશે.
અંડર ગ્રેજ્યુએશનમાં ત્રણ વર્ષના કોર્સ માટે ૧૨૦ ક્રેડિટ અને ચાર વર્ષના ઓનર્સ કોર્સ માટે ૧૬૦ ક્રેડિટ ફરજિયાત રહેશે. ઓનલાઇન, પ્રમાણપત્ર અથવા અન્ય કોર્સની ક્રેડિટ પણ ગણતરીમાં લેવામાં આવશે. ખાસ કરીને “ફાસ્ટ ટ્રેક” અને “એક્સ્ટેન્ડેડ ડિગ્રી” જેવી સુવિધાઓ હવે માન્ય થશે. એટલે કે, વિદ્યાર્થીઓ હવે ૩ વર્ષનો કોર્સ ૫ સેમેસ્ટરમાં પૂરો કરી શકે છે, અથવા ફરજિયાત ક્રેડિટ્સ પૂરા કરી દીધા હોય તો તેઓ સમય પહેલા ડિગ્રી મેળવી શકશે. બીજી તરફ, જો કોઈ વિદ્યાર્થી સમયસર અભ્યાસ પૂરું ન કરી શકે તો તેને વધારાના ૧ વર્ષ (અર્થાત્ ૨ સેમેસ્ટર) સુધી સમય મળશે.
રાજ્ય સરકારો માટે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે અત્યાર સુધી જે SOPના આધારે કામ ચાલતું હતું, તેને હવે નવી UGC ધોરણો અનુસાર ફરીથી ઘડવાની ફરજ પડી શકે છે. હાલ દરેક રાજ્યની યુનિવર્સિટીઓમાં ૨૦૨૦ની નીતિ અનુસાર જાહેર કરાયેલ ર્જીંઁ મુજબ કામ ચાલી રહ્યું છે. પરંતુ નવા ધોરણોની અમલવારી સાથે હાલની SOP અપૂર્ણ ગણાશે. ઉલ્લેખનીય છે, UGC ની ચેતવણી પ્રમાણે, જો કોઈ યુનિવર્સિટી આ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેમને મળતી ગ્રાન્ટ કાપી લેવાશે અને આવશ્યક હોય તો વધુ કડક પગલાં પણ લેવામાં આવશે.