યુક્રેનના શહેરોમાં તબાહી, લોકોમાં ફફડાટ : રશિયા ગણી ન શકાય એટલા ઝૂંડમાં ડ્રોન એક સાથે છોડી રહ્યા છે
Russia, તા.૨૦
રશિયા-યુક્રેન યુદ્ધ હવે નાટોના ઘરઆંગણા સુધી પહોંચી ગયું છે. રશિયાએ શુક્રવારે મોડી રાતે યુક્રેન પર ૫૮૦થી વધારે ડ્રોન અને ૪૦ મિસાઈલોથી હુમલો કર્યો. આ હુમલો એટલો મોટો હતો કે પોલેન્ડને પણ પોતાની સુરક્ષા માટે ફાઈટર જેટ્સ ઉડાવવા પડ્યા. પોલિશ સેનાએ જણાવ્યું કે, સવારે ૩.૪૦ કલાકે જ્યારે યુક્રેનમાં ચારેતરફ એર રેડ એલર્ટ વાગી રહ્યું હતું, ત્યારે પોલેન્ડ અને તેના સહયોગી દેશોએ પોતાના વિમાનો હવામાં ઉડાડ્યા. સાથે જ એર ડિફેન્સ અને રડાર સિસ્ટમને પણ હાઈ એલર્ટ પર રાખી દીધી. સવારે ૫ વાગ્યા બાદ જ્યારે રશિયાના હુમલો બંધ થયા, ત્યારે આ ઓપરેશન ખતમ કર્યું. પોલેન્ડે સ્પષ્ટ કહ્યું કે આ પગલું ખાલી બચાવ માટે હતું, જેથી રશિયાનો ઘા તેમના વિસ્તારમાં ન પહોંચે.
યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે ડ્નીપ્રો શહેરમાં એક ક્લસ્ટર મિસાઈલે રહેણાંક વિસ્તારની ઈમારતને ટાર્ગેટ બનાવ્યો, તેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને ૨૬ જેટલા લોકો ઘાયલ થઈ ગયા. ચેર્નિહિવ અને ખમેલ્નિત્સ્કી વિસ્તારમાં બે અન્ય લોકોના જીવ ગયા. સોશિયલ મીડિયા પર અપાર્ટમેન્ટના તૂટેલા-ફૂટેલા કાટમાળ અને ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જતાં દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. રશિયા હવે પહેલાથી માફક ડઝન નહીં પણ ગણી ન શકાય એટલા ઝૂંડમાં ડ્રોન એક સાથે છોડી રહ્યા છે. યુક્રેનિયન એરફોર્સનો દાવો છે કે, તેમણે ૫૫૨ ડ્રોન અને ૩૧ મિસાઈલ પાડી દીધી. પણ આટલો મોટો હુમલો છતાં કેટલીય જગ્યા તબાહીથી બચી શકી નથી.
રશિયન રક્ષા મંત્રાલયનું કહેવું છે કે તેમનો ટાર્ગેટ ખાલી યુક્રેનની મિલિટ્રી-ઈંડસ્ટ્રિયલ સુવિધાઓ હતી, તેમણે દાવો કર્યો કે, ડિ્નપ્રોપેત્રોવ્સ્ક વિસ્તારના બેરોઝોવે ગામ પર તેમણે કંટ્રોલ કરી લીધો છે, જો કે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું કે આ હુમલો કોઈ સૈન્ય જરુરિયાતો માટે નહીં પણ સામાન્ય નાગરિકોને ડરાવવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાની રશિયાની રણનીતિ છે. તેમણે પશ્ચિમી દેશોને કહ્યું કે તેમને વધારે એર ડિફેન્સ સિસ્ટમ જોઈએ અને રશિયા પર આકરા પ્રતિબંધો લગાવો. ઝેલેન્સ્કી આગામી અઠવાડીયે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ મુલાકાતમાં સુરક્ષા ગેરેન્ટી અને રશિયા પર પ્રતિબંધ પર ચર્ચા થશે.
બ્રિટને હાલમાં જ રશિયાની વારંવાર એરસ્પેસ ઘુસણખોરીને અસ્વીકાર્ય ગણાવ્યું છે. હવે પોલેન્ડના એરસ્પેસની નજીક આ થયેલો હુમલો સંકેત છે કે નાટો અને રશિયાની વચ્ચે કોઈ પણ સમયે સીધી ટક્કરમાં બદલાઈ શકે છે.