Rajkot, તા.6
ઈદના ઝૂલુસમાં રેલનગરના ઉમેદ ઉર્ફે બાબરે બે મિત્રોને છરી ભોંકી દીધી હતી. બંનેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. શાહિદને ગુપ્ત ભાગથી ઉપર અને ડુંટીથી નીચેના ભાગે છરી લાગી હોવાથી તત્કાલ ઓપરેશન કરાયું. એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ઈજાગ્રસ્ત (1)શાહિદ અશરફ ઓડિયા (ઉંમર વર્ષ 19, રહે. નવા થોરાળા શેરી નંબર 2), (2) ગુલામરસુલ રજાકભાઈ શેખ (ઉંમર વર્ષ 17, રહે. નવા થોરાળા શેરી નંબર 6)ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં શાહિદએ જણાવ્યું કે, ગઈકાલે સાંજના છએક વાગ્યાની આસપાસ હું તથા મારો મીત્ર ગુલામરસુલ શેખ તથા જયવીન ગોહેલ એમ અમો બધા એ.ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ રઘુવીર ખમણની દુકાનની સામે આવેલ એ.સી.બી ઓફીસ વાળી ગલીમાં ઉભા હતા. ત્યારે આશરે સાડા છએક વાગ્યાની આસપાસ ત્યાં નંબર પ્લેટ વગરના બે મોટર સાઇકલ વાળાઓ આવેલ અને તેમાના એક મોટર સાઇકલ વાળાએ મારા મીત્ર જયમીન ગોહેલના પગ ઉપર મોટરસાઇકલ ચડાવી દેતા મારા મીત્ર જયવીન ગોહેલે આ મોટર સાઇકલના ચાલક ને કહેલ કે તમે તમારૂ મોટર સાઇકલ ધ્યાનથી ચલાવો. મને પગમાં લાગી ગયેલ છે.
તેમ વાત કરતા આ મોટર સાઇકલ ના ચાલકો મારા મીત્ર જયવીન પાસે આવી બોલાચાલી તેમજ માથાકુટ કરવા લાગેલ તેથી હું તથા મારો મીત્ર ગુલામરસુલ અજાણ્યા મોટર સાઇકલ ચાલકોને સમજાવવા જતા આ મોટર સાઇકલ સાથે રહેલ ઇસ્ટ્રાગ્રામમાં ફેમસ થયેલ ઉમેદ ઉર્ફે બાબર (રહે રેલનગર પોપટપરા) વાળો એકદમ ઉશ્કેરાય ગયેલ અને ભુંડી ગાળો આપવા લાગેલ તેમજ બાબરે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી મને કહેલ કે તારે બોવ હવા છે.
તેમ કહીને મને પેટમાં ડુંટીના નીચેના ભાગે જમણી તરફ એક છરીનો એક ઘા મારી દીધેલ અને મારો મીત્ર ગુલામરસુલ મને બચાવવા વચ્ચે આવતા બાબરે મારા મીત્રને પણ ડાબી બાજુ પડખાના ભાગે એક છરીનો ઘા મારી દીધેલ અને ડાબા હાથ માં છરી ના છરકો મારી દીધેલ જેથી અમો બધાયે રાડા રાડી કરતા ત્યાં માણસો ભેગા થઈ જતા અને આ ઉમેદ ઉર્ફે બાબર ભાગી ગયેલ હતો. મને તથા મારા મીત્ર ગુલામરસુલને મારો મોટો ભાઈ સાકીર તથા પરવેજભાઇ પ્રાઇવેટ વાહન મારફતે સરકારી હોસ્પીટલ ઇમરજન્સીમાં સારવારમાં લાવેલ અહીં ફરજ પરના ડોકટરે મારૂ ઓપેરેશન કર્યું હતું.
આ તરફ તહેવારમાં માથાકૂટની ઘટના બનતા પોલીસ દોડી હતી. એલસીબી ઝોન – 2ની ટીમે આરોપીને દબોચી લીધો હતો. રૂખડીયાપરાનો 19 વર્ષીય ઉમેદ ઉર્ફે બાબર ગફારભાઈ ભાવર સામે અગાઉ ધોરાજીમાં મારાં મારી અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ સહિતના ગુના નોંધાયેલ છે.જામનગરના બેડી બંદર ગામે ઈદના ઝૂલુસ વખતે બાઈકના સાયલેન્સરના ભડાકા કરવા મુદ્દે ડખ્ખો થઈ ગયો હતો. આદમભાઈ અબ્દુલભાઈ જામ (ઉંમર વર્ષ 45, રહે. બેડી ગામ, તા. જિ. જામનગર) ગઈકાલે સાંજે 7:30 વાગ્યે આસપાસ પોતે પોતાના ઘર પાસે હતા.
ત્યારે સામેવાળા ઇદ્રીશ અને દાઉદ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી છરી વડે માર મારતા ઈજા થતા જામનગર સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આદમભાઈએ કહ્યું કે, ગઈકાલે ઈદનો તહેવાર હોવાથી બધા ઝૂલુસમાં હતા.
જ્યાં બાઈક સવાર યુવાનો સાયલેન્સર ગજવતા હતા. સાયલેન્સરના ભડાકા કરતા હતા. જેથી મારો ભત્રીજો ઇશો તેને સમજાવવા ગયો હતો કે, આવું સારુ ન લાગે. ખોટો દેખારો થાય છે. જે બાદ ડખ્ખો થયો હતો.
ઝઘડો અટકાવવા હું વચ્ચે પડ્યો હતો. સામે વાળા લોકોને સમજાવ્યા હતા. જેમાં ઇદ્રીશ અને દાઉદ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી ઉશ્કેરાઇ છરી વડે હુમલો કરી દીધો હતો. બેડી મરીન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.