વારંવાર ઘરે જઈ દુષ્કર્મ ગુજારતો, યુવકે પ્રેગ્નન્સી ટેસ્ટની કિટ અને ગર્ભ નિકાલની ગોળીઓ પણ આપી
Anand, તા.૮
ઉમરેઠ પંથકની એક સગીરાને વિધર્મી યુવકે પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર તેણીના ઘરે જઈ દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે વીધર્મી યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.ઉમરેઠ પંથકના એક ગામમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા ગત ઓક્ટોબર માસમાં રાત્રિના સુમારે જમ્યા બાદ ગોળીઓ લઈ રહી હતી. તેણીની વિધવા માતા જોઈ જતા માતાએ કઈ ગોળીઓ લઉં છું તેમ પૂછયું હતું પરંતુ સગીરા મૌન રહી હતી. ત્યારબાદ અવારનવાર પૂછપરછ કરતા સગીરાએ માસિક નહીં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી તેનું કારણ પૂછતા એકાદ વર્ષ પૂર્વે શહેબાઝ અનવરભાઈ મલેક તેણીને મળી પ્રેમનો પ્રસ્તાવ મુકતા તેણીએ હા પાડી હતી તેમ કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તેણી ઘરે એકલી હતી ત્યારે શહેબાઝ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ અવારનવાર શહેબાઝ મલેકે તેણીના ઘરે તેમજ ઘર પાછળ આવેલા ખેતરમાં તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી ગર્ભવતી બની હતી. શહેબાઝ મલેકે પ્રેગ્નન્સી ટેસ્ટની કિટ આપતા તપાસમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ગર્ભનો નિકાલ થાય તે માટે શહેબાઝે ગોળીઓ લાવી આપી હોવાની કબુલાત કરતા વિધવા માતા કલ્પાંત કરી ઉઠી હતી. તેણીએ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સહેબાઝ મલેક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

