Ahmedabad,તા.૭
રાજ્યનું જીએસટી વિભાગ છેલ્લા કેટલાક સમયથી બિનહિસાબી વ્યવહારો પર બાજ નજર રાખી રહ્યું છે અને ખાસ કરીને આવા બિનહિસાબી વ્યવહારો કરનાર અને કરચોરી કરી રાજ્યની તિજોરી પર નુકસાન પહોંચાડનાર તમામ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગે પાન મસાલામાં બિનહિસાબી હેરાફેરી પકડી પાડી છે. પાન મસાલાના અને તમાકુના અંદાજે ૪૨.૧૨ લાખ બિનહિસાબી પાઉચ મળી આવ્યા છે. કેવી રીતે આ બિનહિસાબી વ્યવહારોનો ધંધો ચાલી રહ્યો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત ચાર ફેબ્રુઆરીના રોજ સંવેદનશીલ ચીજવસ્તુઓમાં ઇનવોઇસ વિના, ખામીયુક્ત ઇનવોઇસ કે યોગ્ય દસ્તાવેજો વિના માલની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. આવી બિનહિસાબી હેરાફેરી થકી કરોડો રૂપિયાની કરચોરી કરવામાં આવતું હોવાનું પણ જીએસટી વિભાગને ધ્યાને આવ્યું જેના પગલે કરચોરી રોકવાની કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં પાન મસાલા અને તમાકુના પાઉચ લઈ જતા ૬ વાહનોને અટકાવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે માલ તેમજ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા પાન મસાલા અને તમાકુના કુલ ૪૨.૧૨ લાખ બિનહિસાબી પાઉચ મળી આવ્યા હતા. જેમાં રૂ. ૨.૫૫ કરોડની જીએસટી ચોરી હોવાનો અંદાજ છે. તાત્કાલિક જીએસટી વિભાગે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે અને આ પ્રકારે બિનહિસાબી માલનું વેચાણ કરતા તમામ વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વનું છે કે, જીએસટીની આ કાર્યવાહીથી પાન મસાલાના વેપારીઓ તેમાં પણ ખાસ કરીને કરચોરી કરનારા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જીએસટી વિભાગ તે પણ તપાસી રહ્યું છે કે, આ પ્રકારે પાન મસાલાના પાઉચનું પણ બિનહિસાબી નેટવર્ક કેવી રીતે ચાલે છે. કયા કયા વેપારીઓ આ પ્રકારની કરચોરીમાં સંકળાયેલા છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ પાન મસાલાના વેપારીઓ પાસેથી આ પ્રકારે કરચોરી થતી હોય તો તેને રોકવા અને બિનહિસાબી હેરાફેરી પકડી પાડવા માટે જીએસટીની અલગ અલગ ટીમ કામે લાગી છે. અમદાવાદ જિલ્લા ઉપરાંત રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જીએસટી વિભાગ વેપારીઓના બિનહિસાબી વ્યવહારોની તપાસ કરી શકે છે. બિલ વગર માલના વેચાણ થતા અટકાવવા તેમજ કરચોરીને રોકવા માટે સક્રિય નેટવર્કને તોડી પાડવા પણ જીએસટી વિભાગના અધિકારીઓ સક્રિય થયા છે.