મલેશિયાથી આવી રહેલી ફ્લાઇટમાંથી બે મુસાફરો ૫૨૪૦૦ સિગારેટ સાથે ઝડપાયા
Ahmedabad, તા.૨૬
અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ ફરીથી સક્રિય થઇ છે. ત્યારે જ દુબઇથી આવેલી એર ઇન્ડિગોની ફ્લાઇટમાંથી વધુ એક વખત ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળી આવ્યું છે. ફ્લાઇટના ટોઇલેટમાં એક કાળી બેગમાંથી આ સોનું મળી આવ્યું હતું. જેની એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમ તપાસ કરી રહી છે. બીજી તરફ મલેશિયાથી આવી રહેલી ફ્લાઇટમાંથી બે મુસાફરો ૫૨૪૦૦ નંગ સિગારેટ સાથે ઝડપાયા છે. બન્ને મુસાફરો આટલી મોટી સંખ્યામાં ઇમ્પોર્ટેડ સિગારેટ શા માટે લાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ વર્ષોથી દાણચોરો માટે સોફ્ટ ટાર્ગેટ છે. જુદી જદી મોડેસ ઓપરેન્ડીથી સોનાની દાણચોરી પણ થઇ રહી છે. ત્યારે દુબઈથી અમદાવાદ પહોંચેલી ઇન્ડિગોની ફ્લાઇટમાંથી મુસાફરો ઉતરી ગયા બાદ તેની સફાઇ કરતાં ટોઇલેટમાંથી બે પાઉચ મળી આવ્યા હતા. જે કાળી બેગમાં લપેટેલા હતા. જેની તપાસ કરતાં પાઉચમાંથી સોનાની બે લગડી મળી આવી હતી. જ્યારે સોનાની પેસ્ટ પણ મળી આવી હતી. લગડી અને પેસ્ટ મળીને રૂપિયા ૧.૯૩ કરોડનું ૨૪ કેરેટનું સોની મળી આવ્યું હતું. જે કસ્ટમ્સની ટીમે કબજે લીધું છે. હવે આ સોનું કયા પેસેન્જરે કે ક્રુ મેમ્બરે ટોઇલેટમાં છૂપાવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા એરપોર્ટ પર કસ્ટમ્સના એક અધિકારીની મેળાપીપણામાં ૧૪૦૦ કરોડ રૂપિયાના સોનાની દાણચોરી થઇ હતી. જેની તપાસમાં ઘણા મોટો માથાઓના નામ પણ ખુલ્યા હતા. દાણચોરીનું આ સોનું અમદાવાદ અને રાજકોટના સોની બજારમાં પહોંચી ગયું હોવાનું પણ સામે આવ્યું હતું. બીજી તરફ કસ્ટમ્સની ટીમ એક્ટિવ બની છે એટલે હવે તમામ મુસાફરો પર વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે જ મલેશિયાથી આવી રહેલી ફ્લાઇટમાં બે મુસાફરો એરપોર્ટ પર લેન્ડ થયા હતા અને તેમની પાસેથી કસ્ટમ્સની ટીમે ૫૨૪૦૦ સિગારેટ ઝડપી લીધી હતી. આટલી બધી સિગારેટ તેઓ શા માટે લાવ્યા અને કોના માટે લાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. આ બન્ને મુસાફરો કંબોડિયાથી મલેશિયા થઇને અમદાવાદ આવ્યા હતા.