Vapi, તા.12
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે વાપીના ચલા ખાતે અંદાજીત 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. કનુ દેસાઈએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ રાજયના લોકોને 24 કલાક વીજળી મળે તે માટે વર્ષ 2004 થી ડાંગમાંથી જ્યોતિગ્રામ યોજના શરૂ કરી જેના સારા પરિણામ મળતા તેમનું સમગ્ર રાજયમાં અમલીકરણ કરાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2001 પછી તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા બાદ ગામડે-ગામડે વિજળી પહોંચાડવાની કામગીરી ચાલુ થઈ હતી. આજે ઊર્જાક્ષેત્રે ગુજરાત આગળ છે. 2001 બાદ બમણી ગતિએ સબ સ્ટેશન નાખવાની કામગીરી થઇ છે. હાલના કલાયમેન્ટ ચેન્જથી સમગ્ર વિશ્વ ચિતિંત છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુદરતી સંસાધનનો ઉપયોગ કરી રીન્યુએબલ એનર્જીનો મહતમ ઉપયોગ થાય માટે સમગ્ર દેશમાં સોલાર રૂફ ટોપ પોલીસી, સૂર્યઘર અને વિન્ડ એનર્જી જેવી યોજનાઓની શરૂઆત કરાવી છે.
સોલાર પોલીસી અને વિન્ડ એનર્જીના અમલીકરણમાં આજે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાત રાજયમાં 80 ટકા ઘરોમાં રૂફ ટોપ લગાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત સૂર્યઘર યોજનામાં પણ સમગ્ર દેશમાંથી 3 લાખ જેટલી સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ દરિયા કિનારાના કાંઠા વિસ્તારને અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું સૂચન કરતાં ગુજરાતના તમામ કાંઠા વિસ્તારમાં આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.