New Delhi,તા.28
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી દીધી છે. આજે ઔપચારિક રૂપે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે. જે દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ આપશે. સ્ટાફ સાઈડ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે માહિતી આપી હતી.
આઠમું પગાર પંચ 18 મહિનાની અંદર પોતાની તમામ ભલામણો રજૂ કરશે. આઠમા પગાર પંચની કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની જાહેરાત કર્યાના દસ મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે. જો કે, આ પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે, આઠમું પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી, 2026થી જ ગણાશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીઓનું એરિયર 1 જાન્યુઆરી, 2026થી જ ગણવામાં આવશે.

હાલમાં જ સેન્ટ્રલ સેક્રેટરેટ સર્વિસ ફોરમે(CSSF) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આઠમા પગાર પંચ મામલે ઝડપથી કામગીરી કરવા દબાણ કર્યું હતું. કર્મચારી યુનિયને નોંધ્યું હતું કે, સાતમા પગાર પંચની રચના તેના અમલના બે વર્ષ પહેલાંથી જ શરુ થઈ ગઈ હતી. તેના અમલ પહેલા તેમાં વ્યાપક રિસર્ચ અને ભલામણો લેવા પર્યાપ્ત સમય લેવામાં આવ્યો હતો. પરંતુ આઠમું પગાર પંચ જાન્યુઆરી, 2025થી લાગુ થઈ રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી તે સંદર્ભે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
પગાર પંચની રચના અને અમલીકરણના ઇતિહાસને ધ્યાનમાં લઈએ તો આઠમા પગાર પંચની સંપૂર્ણ રચના અને અમલમાં બે વર્ષનો સમય લાગી શકે છે. જો નવેમ્બર, 2025માં આઠમા પગાર પંચની નોટિફિકેશન જાહેર કરવામાં આવે તો 2027ના અંત સુધી તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે, અને તેનો અમલ જાન્યુઆરી, 2028થી થશે. જો કે, સરકારી સૂત્રો અનુસાર, અમલમાં ભલે વિલંબ થાય, પણ સરકારી કર્મચારીઓને તમામ લાભ 1 જાન્યુઆરી, 2026થી મળશે.

