Ahmedabad,તા.૧૭
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીને રાષ્ટ્રીય સ્તરે વિશેષ રૂપ આપવા માટે અભિયાન અંતર્ગત ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને સામાજિક જાગૃતિના સંદેશને વેગ આપવા અમદાવાદની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૬ ન૦૯૨મ્બરથી દરરોજ ‘યુનિટી માર્ચ’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઘાટલોડિયાવિધાનસભા વિસ્તારમાં આવેલા આંબલી ગામ નજીક ખોડીયાર માતાના મંદિરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
સવારે ૮ વાગ્યે શરૂ થયેલી આ પદયાત્રા ૩.૫ કિલોમીટરથી વધુ લાંબી હતી અને તે બોપલ ઓવરબ્રિજ પાસેના વિવિધ રોડ પરથી પસાર થઈને પૂર્ણ થઈ. પદયાત્રાના પ્રારંભમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે પદયાત્રામાં ભાગ લઈને લગભગ ૮૦૦ મીટર સુધી ચાલીને લોકો સાથે સંવાદ સાધ્યો અને એકતાના સંદેશને મજબૂત કર્યો. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ તથા અન્ય પ્રદેશ અને શહેર ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા. જોકે, મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ અધવચ્ચેથી જ પદયાત્રામાંથી રવાના થયા હતા, જ્યારે સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકોએ પૂર્ણ પદયાત્રા પૂર્ણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રા દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ દ્વારા સરદાર સાહેબને સૌથી શ્રેષ્ઠ અંજલિ આપી છે. આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક બની છે.” તેમણે વધુમાં કહ્યું કે, “સરદાર પટેલે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ૫૬૨ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતને એક અને અખંડ બનાવ્યું છે.”
આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ અને ભાજપ કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પદયાત્રા દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘સરદાર પટેલ અમર રહે’ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. આ અભિયાન દ્વારા રાષ્ટ્રીય એકતા અને સરદાર પટેલના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલથી અમદાવાદની અન્ય વિધાનસભાઓમાં પણ આવા જ યુનિટી માર્ચનું આયોજન ચાલુ રહેશે.આ કાર્યક્રમનું આયોજન ભાજપના સ્થાનિક નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં આવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

