Rajkot,તા.28
ચોમાસાની વિદાય બાદ પણ કમોસમી વરસાદનો દોર અટકવાનું નામ લેતો ન હોય તેમ રાજયમાં માવઠા ચાલુ જ રહ્યા હતા. ચોમાસા જેવો વરસાદી માહોલ રંગ-હોય તેમ રાજયમાં આજે 251 માંથી 239 તાલુકાઓમાં માવઠા વરસ્યા હતા.
સાર્વત્રીક વરસાદનું ચિત્ર ઉભુ થયુ હતું. આ સાથે અત્યાર સુધીનો વરસાદ સવાસો ટકાની નજીક થઈ ગયો છે. કમોસમી ભારે વરસાદથી કૃત્રિ ક્ષેત્રમાં ભારે નુકશાનીની આશંકા છે.રાજય સરકાર પણ એલર્ટ બની છે અને પ્રધાનોને સંબંધીત જીલ્લાઓમાં જવાની સુચના આપવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશને સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાકમાં 239 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજયમાં કુલ તાલુકાઓની સંખ્યા 251 છે.માત્ર 12 તાલૂકા જ કોરા હતા જોકે ત્યાં પણ વાતાવરણ વરસાદી જ હતું.
સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ રાજુલામાં નોંધાયો હતો 15 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ હતો. સુરતના બારડોલીમાં સવા ચાર ઈંચ, અરવલ્લીના મેઘરજમાં ચાર ઈંચ, ખેડાના પાલતેશ્વરમાં છ ઈંચ, વડોદરા શહેરમાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ હતી. ગીર સોમનાથ, અમરેલી,તથા ભાવનગર જીલ્લાઓમાં ભારે વરસાદ પડયો હતો.
રીપોર્ટ મુજબ રાજયમાં આ વર્ષે અત્યાર સુધીનો કુલ વરસાદ 124.51 ટકાએ પહોંચ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 148.41 ટકા, દક્ષિણ ગુજરાતમાં 130.48 ટકા, પૂર્વ ગુજરાતમાં 123.20 ટકા, ઉતર ગુજરાતમાં 123.48 ટકા, તથા સૌરાષ્ટ્રમાં 117.47 ટકા, વરસાદ નોંધાયો હતો. રાજયમાં સરેરાશ 881.84 મીમી વરસાદ થતો હોય છે. આ વખતે અત્યાર સુધીમાં 1097.94 મીમી પાણી વરસી ગયુ છે.
રાજયમાં હજુ ચાર દિવસ સુધી માવઠાનો દોર જારી રહેવાની આગાહી વચ્ચે કૃષિક્ષેત્રે પાચવાર નુકશાનીની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. રાજયમાં ચાલુ વર્ષે મગફળી-કપાસ-સોયાબીન સહિતની ખરીફ જણસીઓનો મબલખ પાક હતો.
ખેડુતોએ તૈયાર પાક વેચવા માટે રાખ્યો હતો. વરસાદમાં તૈયાર પાક જ પલળી કે તણાઈ જવાનો ઘાટ સર્જાયો છે. વરસાદને કારણે માર્કેટ યાર્ડોમાં પણ વેચાણ માટે નિયંત્રણો મુકાયા છે.શાકભાજી બાગાયતી ખેતીને પણ વ્યાપક નુકશાની છે.

