Washington,તા.26
ટ્રમ્પ પ્રશાસને વૈજ્ઞાનિક સંશોધન માટે ફેડરલ ફંડિંગમાં ધરખમ ઘટાડો કરતા હજારો વિજ્ઞાાનીઓએ તેમની નોકરી અથવા ગ્રાન્ટ ગુમાવ્યા છે. પરિણામે વિશ્વભરની સરકારો અને યુનિવર્સિટીઓ આ તકનો લાભ લઈને સંશોધકોની આગામી પેઢીને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. એપ્રિલમાં શરૂ થયેલા કેનેડા લીડ્સ પ્રોગ્રામનો હેતુ સરહદની ઉત્તરે બાયોમેડિકલ સંશોધકોની આગામી પેઢીના ઈનોવેટર્સને પ્રોત્સાહન આપવાનો છે. ફ્રાન્સની એક્સ-માર્શીલ યુનિવર્સિટીએ પણ માર્ચમાં સેફ પ્લેસ ફોર સાયન્સ પ્રોગ્રામ શરૂ કર્યો અને તેમના સંશોધનમાં જોખમ અથવા અવરોધ અનુભવતા અમેરિકા સ્થિત વિજ્ઞાાનીઓને આવકાર આપવાની ખાતરી આપી. એપ્રિલમાં જાહેર થયેલા ઓસ્ટ્રેલિયાના ગ્લોબલ ટેલન્ટ અટ્રેક્શન પ્રોગ્રામમાં સ્પર્ધાત્મક વેતન અને રિલોકેશન પેકેજનું વચન અપાયું છે.
વિજ્ઞાાનીઓ અમેરિકા છોડી જશે તેવું કહેવું હજી વહેલું છે. યુનિવર્સિટીઓ માટે અરજીઓ રિવ્યુ કરવા અને ફંડિંગ આપવા મહિનાઓ લાગશે અને સંશોધકોને સ્થળાંતર કરવા હજી વધુ સમય લાગશે. રિસર્ચ અને વિકાસમાં અમેરિકાનું ફંડિંગ વિશાળ છે અને મામૂલી કપાત પણ મહત્વના પ્રોજેક્ટને લટકાવી શકે છે.
કંપનીઓ અને નોનપ્રોફિટ સંસ્થાઓ સાથે કામ કરતા નિમણૂંકકારો પણ આવો જ ટ્રેન્ડ જોઈ રહ્યા છે. જો કે દેશ છોડવાની ઈચ્છા કરનારા માટે ભાષાકીય, બાળક તેમજ વયસ્કોના આરોગ્ય તેમજ નેશનલ પેન્શન અથવા નિવૃત્તિ પ્રોગ્રામમાં નોંધપાત્ર તફાવત જેવા વ્યવહારુ અવરોધો રહેશે.
અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ પછી સ્વતંત્ર યુનિવર્સિટીઓ અને ફેડરલ એજન્સીઓ ખાતે વૈજ્ઞાાનિક રિસર્ચ યોજવા મોટા પાયે આર્થિક રોકાણ કર્યું હતું જેના પરિણામે સેલફોન, ઈન્ટરનેટ, કેન્સર, હૃદયરોગ અને સ્ટ્રોકની નવી સારવારની શોધ શક્ય બની હતી. જો કે આ સીસ્ટમ હવે ટ્રમ્પ પ્રશાસને ફેડરલ સાયન્સમાં વેડફાટ અને બિનકાર્યક્ષમતા તેમજ નેશનલ એકડમી ઓફ સાયન્સીસ, નેશનલ ઈન્સ્ટિટયુટ્સ ઓફ હેલ્થ, નાસા અને અન્ય એજન્સીઓ ખાતે સ્ટાફના સ્તર અને ગ્રાન્ટમાં કપાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી આ સીસ્ટમ હચમચી ગઈ છે. આગામી વર્ષ માટે વ્હાઈટ હાઉસ બજેટમાં એનઆઈએચ બજેટ માટે ૪૦ ટકા અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન બજેટ માટે ૫૫ ટકા કપાતનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
અનેક યુનિવર્સિટીઓએ નિમણૂંક સ્થગિત કરી છે, સ્ટાફની છટણી કરી છે અથવા નવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું બંધ કર્યું છે. ગુરુવારે ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા રદ કરી, જો કે એક કોર્ટે તેને હાલ મોકૂફ રાખી છે. અમેરિકામાં સહયોગીઓ પર આધાર રાખતી વિદેશની રિસર્ચ સંસ્થાઓ સમગ્ર બાબત પર ચિંતા સાથે નજર રાખી રહી છે પણ સાથે પ્રતિભા આકર્ષવાની તક પણ શોધી રહી છે.

